Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

૨૫ હજાર સૈનિકોની સુરક્ષા વચ્ચે

અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપ્રમુખની શપથ લેશે જો બાઇડન

જો બાઇડન પોતાના પરિવારની ૧૨૭ વર્ષ જૂની બાઇબલની સાથે શપથ લેશે

વોશિંગટન તા. ૨૦ : જો બાઇડન  અમેરિકાના ૪૬માં રાષ્ટ્રપ્રમુખ જયારે કમલા હૈરિસ ઉપરાષ્ટ્રપ્રમુખ પદના શપથ લેશે. ટ્રમ્પ સમર્થકો દ્વારા કેપિટલ હિલ (સંસદ ભવન પરિસર) પર થોડા સમય પહેલા થયેલા હુમલા બાદ ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં સુરક્ષાની વધતી ચિંતાઓની વચ્ચે બુધવારે બાઇડન અને હૈરિસ શપથ ગ્રહણ કરશે. મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ ૧૨ વાગતતા જ (સ્થાનિક સમય મુજબ) કેપિટલના વેસ્ટ ફ્રન્ટમાં બાઇડનને પદના શપથ અપાવશે. શપથ ગ્રહણનું આ પારંપરિક સ્થળ છે જયાં નેશનલ ગાર્ડ્સના ૨૫ હજારથી વધુ જવાન સુરક્ષામાં તૈનાત રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકોના હિંસક પ્રદર્શનને જોતાં આ સ્થળને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.

બાઇડન (૭૮) પોતાના પરિવારની ૧૨૭ વર્ષ જૂની બાઇબલની સાથે શપથ લેશે. આ દરમિયાન તેમની પત્ની જિલ બાઇડન પોતાના હાથમાં બાઇબલ લઈને ઊભી રહેશે. અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ઉંમરના રાષ્ર્ પ્રમુખ બનવા જઈ રહેલા બાઇડન શપથ ગ્રહણના તરત બાદ રાષ્ર્પ્રમુખ તરીકે દેશને નામ પોતાનું પહેલું સંબોધન આપશે. ઐતિહાસિક ભાષણ ભારતીય મૂળના અમેરિકન નાગરિક વિનય રેડ્ડીએ તૈયાર કરી રહ્યા છે, જે એકતા અને સૌહાર્દ પર આધારિત હશે.

કમલા હૈરિસ (૫૬) પહેલી મહિલા, પહેલી અશ્વેત અને પહેલી દક્ષિણ એશિયન અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ બનીને ઈતિહાસ રચશે. તેમને સુપ્રીમ કોર્ટની પહેલી લેટિન સભ્ય ન્યાયમૂર્તિ સોનિયા સોટોમેયર પદના શપથ અપાવશે. સોટોમેયરે બાઇડનને ૨૦૧૩માં ઉપરાષ્ટ્રપ્રમુખના શપથ અપાવ્યા હતા. તેઓ બે બાઇબલને લઈને શપથ લેશે જેમાં એક નજીકના મિત્ર રેગિના શેલ્ટનની હશે અને બીજી દેશના પહેલા આફ્રિકન મૂળના અમેરિકાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ થુરગૂડ માર્શલની હશે.

સત્તા હસ્તાંતરણને લઈને ઊભો થયેલા વિવાદને કારણે આ વર્ષ યાદ રાખવામાં આવશે. ચૂંટણી બાદ સામાન્ય રીતે આ પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ ચૂંટણી પરિણામોને અસ્વીકાર કર્યા બાદ તે અનેક સપ્તાહ બાદ શરૂ થયું છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ શપથ ગ્રહણમાં સામેલ નહીં થાય. શપથ ગ્રહણ કાર્યક્રમ સવારે લગભગ ૧૧ વાગ્યે શરૂ થઈ જશે જે દરમિયાન ગાયિકા-નૃત્યાંગના લેડી ગાગા રાષ્ટ્રગીત ગાશે અને અમાન્ડા ગોરમેન આ અવસરે લખેલી એક ખાસ કવિતા રજૂ કરશે. અભિનેત્રી-ગાયિકા જેનિફર લોપેઝ પણ આ દરમિયાન પ્રસ્તુતી આપશે.

(10:24 am IST)