Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ગુજરાત સરકારે પાથરી લાલજાજમઃ લાભો આપવા ઓફર

વિશ્વની ટોચની ઇલેકટ્રીક કાર બનાવતી કંપની 'ટસ્લા' ગુજરાતમાં મેન્યુ.પ્લાન્ટ સ્થાપે તેવી શકયતા

ગુજરાત ઓટોમોબાઇલ હબ બન્યુ હોવાની કંપની પસંદ કરે તેવી વકી

નવી દિલ્હી, તા.૨૦: દુનિયાના ઓટોમોબાઈલ ક્ષેત્રે ટોચની પહેલી પસંદ બની રહેલા ગુજરાત માટે વધુ એક ખુશખબરી આવી રહી છે. હવે ગુજરાતે દુનિયાની ટોચની ઈલેકિટ્રક કાર કંપની Teslaના રાજયમાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે આકર્ષિત કરી છે. ઈલેકિટ્રક કાર મેકર્સમાં દુનિયામાં જાણીતું નામ ધરાવતી ટેસ્લા ભારતના બેંગલુરુમાં રીસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટર સ્થાપી રહી છે. તે હવે ગુજરાત સહિત બીજા રાજયોના સંપર્કમાં પણ છે જેનાથી તેઓ ભારતમાં પોતાનો કારોબાર શરું કરી શકે.

મુખ્યમંત્રી કાર્યાલયના એડિશનલ ચીફ સેક્રેટરી અને ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ વિભાગના ઈનચાર્જ ACS મનોજ દાસે જણાવ્યું કે, 'રાજય સરકાર હાલ ટેસ્લા કંપની સાથે ચર્ચા કરી રહી છે અને ગુજરાતમાં કંપનીનો બેઝ સ્થાપવા માટે અમે તેમને તમામ પ્રકારના ઇન્સેન્ટિવ આપવા માટે તૈયારી દર્શાવી છે.

અધિકારીએ કહ્યું કે, 'દુનિયાની ટોચની ઓટોમોબાઈલ કંપનીઓએ ગુજરાતમાં પોતાના મેન્યુફેકચરિંગ પ્લાન્ટ સ્થાપ્યા છે. જેના કારણે રાજય ઓટો મોબાઈલ હબ બન્યું છે તેની પાછળનું કારણ રાજયની MSME ઇન્ડસ્ટ્રી છે જે મોટી કંપનીઓના સપોર્ટિંગ રોલમાં કામ કરી રહી છે. મોટા ઈલેકિટ્રક કાર મેન્યુફેકચરર્સ અને બેટરી મેન્યુફેકચરર્સ ગુજરાતમાં ફેસિલિટી સ્થાપી રહ્યા છે. અમને આશા છે કે દુનિયાની ટોચની ઈલેકિટ્રક કંપની ટેસ્લા પણ ગુજરાત પર પસંદગીનો કળશ ઢોળશે.

મહત્વનું છે કે ટેસ્લા ભારતમાં પોતાનો કારોબાર તેના સૌથી વધુ વેચાયેલા મોડેલ-૩થી શરુઆત કરશે. જે બાદમાં કંપની તેના પ્રીમિયમ મોડેલ એસ અને મોડેલ એકસને લોન્ચ કરશે. આ મોડેલ વર્ષ ૨૦૨૨ના શરુઆતમાં આવી શકે છે. જોકે ટેસ્લા દ્વારા ભારતમાં તેની લોન્ચ ડેટ અને પ્રાઈસ અંગે કોઈ સ્પષ્ટતા હજુ સુધી મળી નથી. કંપનીએ બેંગલુરુમાં પોતાના ભારતના કારોબાર માટે રજીસ્ટર્ડ ઓફિસ સ્થાપી છે.

ઇન્ડસ્ટ્રી ઇન્ટેલિજન્સ ગ્રુપના હેડ પ્રભુ રામના જણાવ્યા મુજબ ટેસ્લાના ભારતમાં આગમન સાથે દેશના ભવિષ્યના મોબિલિટી માર્કેટમાં ખૂબ જ મોટો ફેરફાર આવશે. 'ટૂંકાગાળાની વાત કરીએ તો ટેસ્લાની એન્ટ્રીથી સરકારની ઈલેકિટ્રક વેહિકલની પોલિસીને ફાયદો મળશે. ભારતમાં ઈલેકિટ્રક વેહિકલ મેન્યુફેકચરિંગને એક મજબૂત શરુઆત મળશે. મોબિલિટી ક્ષેત્રે એક નવી જ દિશા મળશે. સૌથી મોટી વસ્તુ મેન્યુફેકચરિંગ શરું થતા દેશમાં ઈલેકિટ્રક વેહિકલ માટે જરુરી ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસવાનું પણ શરું થશે.

મહત્વનું છે કે કંપની ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક સાથે પણ ચર્ચા કરી રહી છે. દાસે કહ્યું કે ગુજરાત હાલ રિન્યુએબલ એનર્જીના હબ તરીકે વિકસી રહ્યું છે. જેના કારણે ઇલેકિટ્રસિટીના ભાવ રાજયમાં દેશના અન્ય ભાગ કરતા વધુ સ્પર્ધાત્મક રહેશે. જેનો લાભ કંપનીને મળી શકે છે. તેમજ આ સાથે ગુજરાત પાસે સ્ટ્રેટેજિક ફાયદાઓ પણ છે જેવા કે દરિયાઈ વાહનવ્યવહાર માટેની આધુનિક સવલત ધરાવતા પોર્ટ અને ભારતના મોટાભાગના માર્કેટ સુધી પહોંચવા માટે ગુજરાત કેન્દ્રબિંદુ તરીકે બની શકે છે. પાછલા બે મહિનામાં કંપની સાથે અમારી ખૂબ જ મહત્વપૂર્ણ અને ફળદાયી વાતચીત થઈ છે અને ગુજરાતમાં રહેવાના ફાયદા અને અમારી નવી ઈન્ડસ્ટ્રી પોલિસીના ફાયદા અંગે કંપનીને જણાવવામાં આવ્યું છે.

તાજેતરના ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ એલાયન્સ(IESA)ના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારતમાં ઈલેકિટ્રક કાર માર્કેટ ૬૩ લાખ યુનિટ પ્રતિ વર્ષ પહોંચશે. આ જ સમયગાળામાં બેટરીની પણ માગ વધશે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ભારતમાં ઈલેકિટ્રક વેહિકલનું વેચાણ ૩.૮ લાક યુનિટ્સ રહ્યું હતું.

(10:21 am IST)