Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

રસીકરણની ધીમી રફતારઃ વડિલોએ રાહ જોવી પડશે

જેટલી ઉતાવળે વેકસીન તૈયાર કરવામાં આવી હતી તેટલી લગાડવામાં નથી આવતી

નવી દિલ્હી, તા. ૨૦ :. કોરોના વાયરસથી છૂટકારો મેળવવા જે ઝડપે રસી તૈયાર કરાઈ છે તેટલો ઉત્સાહ રસી મુકાવવામાં નથી દેખાતો. દુનિયાનું સૌથી મોટુ કોરોના રસીકરણ અભિયાન શરૂ થયાને ચાર દિવસ થઈ ગયા છે. પહેલા તબક્કામાં દેશમાં ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સને રસી મુકવાની છે. અત્યાર સુધીમાં ૪.૫૪ લાખ લોકોને જ રસી અપાઈ શકી છે. કેટલીય જગ્યાએ કોવિન એપમાં ટેકનીકલ ખામી અને લોકોમાં ડરના કારણે અભિયાનની ગતિ ધીમી છે. આના લીધે બીજા તબક્કામાં ૫૦થી ઉપરના લોકોને માર્ચ સુધી રાહ જોવી પડી શકે છે.

રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં ૫૦થી વધુ વયના લોકોેને રસીનો ડોઝ આપવાનો છે. સરકારી આંકડાઓ પર ધ્યાન આપીએ તો ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલ પહેલા તબક્કામાં રોજના સરેરાશ ૧ થી દોઢ લોકોને રસી મુકાઈ રહી છે. ઝડપ રહે તો ત્રણ કરોડ લોકોને રસી આપવાના લક્ષ્યમાં માર્ચ મહિનો આવી જશે.

રસીકરણની ઝડપ દિલ્હી, પંજાબ સહિત કેટલાય રાજ્યોમા બહુ ધીમી છે. દિલ્હી ખાતેની એઈમ્સમાં ૧૮ જાન્યુઆરીએ ફકત આઠ લોકોને જ રસી મુકાઈ હતી. પંજાબમાં પણ ૫૯૦૦ ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓમાંથી ફકત ૩૬ ટકા જ રસી લેવા આવ્યા હતા. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં રસી મુકવાનુ કામ અન્ય રાજ્યો કરતા સારૂ છે, તો છેલ્લા ૩ દિવસમાં રસી લગાવ્યા પછી ૫૮૦ લોકોમાં સામાન્ય ફલુના કેસ જોવા મળ્યા છે. તેમાંથી ફકત ૭ લોકોને હોસ્પીટલમાં દાખલ કરાવવા પડયા છે. તેમા ત્રણ દિલ્હી, બે કર્ણાટક અને એક એક ઉત્તરાખંડ અને છત્તીસગઢના છે.

અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ સહિત ઘણા દેશોમાં રસી મુકવાનુ કામ ડીસેમ્બરમાં જ ચાલુ થઈ ગયુ હતું. સૌ પહેલા રસીના ઉપયોગની આપાતકાલીન મંજુરી અપાયા છતા કેટલાક દેશોમાં લોકોને રસી અંગે શંકા છે. આના કારણે આ દેશોમાં રસીકરણની ગતિ ધીમી છે.

કયા દેશમાં કેટલી રસી મુકાઈ ?

અમેરીકા

૧.૩૬ કરોડ

ચીન

૧ કરોડ

બ્રિટન

૪૨ લાખ

ઈઝરાયેલ

૨૩.૫ લાખ

યુએઈ

૧૮.૮૨ લાખ

રશીયા

૧૫ લાખ

ફ્રાન્સ

૮.૫ લાખ

ઈટલી - જર્મની

૧૦ લાખ

(10:21 am IST)