Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

અમેરિકા પર 'શટડાઉન'નો ખતરો : બિલ પાસ કરાવવા સરકારના પ્રયાસો : ૧૯૯૫ બાદ ચોથી વખત ઉભું થયું સકારી કામકાજ ઠપ્પ થવાનું સંકટ

વોશિંગ્ટન: દેશમાં 'શટડાઉન' નિવારવા માટે અમેરિકન સરકાર દ્વારા ભરચક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફેડરલ ગવર્નમેન્ટને આર્થિક મંજૂરી આપતા વિધેયકને અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહ-પ્રતિનિધિ સભામાં પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ ઉપલા ગૃહ-સેનેટમાં તેની સામે અનેક પડકાર છે. જો આ વિધેયક સેનેટમાં પસાર નહીં થાય તો આર્થિક મંજૂરીના અભાવે અમેરિકામાં સરકારી કામકાજ ઠપ થઈ જશે.

શાસક રિપબ્લિકન પાર્ટીની બહુમતી ધરાવતી પ્રતિનિધિ સભામાં આ વિધેયક સરળતાથી પાસ થઈ ગયું છે, પરંતુ સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી હોવા છતાં તેને પસાર કરાવવા માટે વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના સમર્થનની જરૂર છે. તેનું કારણ એ છે કે રિપબ્લિકન પાર્ટીના ત્રણ સેનેટર આ વિધેયકના વિરોધમાં છે, જ્યારે એક સેનેટર કેન્સરની બીમારી માટે પોતાના ઘરે એરિઝોનામાં છે.

બીજી બાજુ ઈમિગ્રેશનના મુદ્દે ડેમોક્રેટિક પાર્ટીની માગણી છે કે સાત લાખ 'ડ્રીમર્સ'ને બચાવી લેવામાં આવે. મેક્સિકો અને મધ્ય એશયાથી આવેલા આ લોકોને તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ પોતાના કાર્યકાળ દરમિયાન હંગામી કાનૂની દરજ્જો આપ્યો હતો, પરંતુ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ડેમોક્રેટ્સની આ માગણી સ્વીકારવા તૈયાર નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યું છે કે સેનેટમાંથી પસાર કરાવવા માટે ડેમોક્રેટ્સની જરૂર છે, પરંતુ તેઓ ગેરકાયદે ઈમિગ્રેશન ઈચ્છે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પણ શટડાઉન થાય છે ત્યારે હજારો બિનજરૂરી ફેડરલ કર્મચારીઓને રજા પર ઉતારી દેવામાં આવે છે. માત્ર લોકોની સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં સંકળાયેલા જરૂરી કર્મચારીઓ જ કાર્યરત રહે છે. ૧૯૯૫ બાદ અમેરિકા પર ત્રણ વખત શટડાઉનની સ્થિતિ સર્જાઈ હતી.

(3:56 pm IST)