Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કેન્દ્રએ જાહેર કરી ચેતવણી

દેશમાં દિવાળી બાદ આ ૧૦ જિલ્લામાં કોરોના ભયંકર વકર્યો

નવી દિલ્હી, તા.૧૯: દેશમાં દિવાળીનો ઉત્સવ પૂરો થવા આવ્યો છે. ત્યારે બીજી તરફ તહેવારના પૂર્ણાહૂતી બાદ જીવલેણ કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે ઓછામાં ઓછા દસ જિલ્લામાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. કોરોનાના કુલ કેસ ૮૯ લાખ ૫૮ હજારનો આંક વટાવી ચૂકયા હતા એટલે કે લગભગ ૯૦ લાખ કેસ થયા હતા.

હજુ પણ કેટલાંક રાજયોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા. એવાં રાજયોમાં નવી દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને પંજાબનો સમાવેશ થયો હતો. કેન્દ્ર સરકારે જાહેર કરેલી વિગતો મુજબ સૌથી વધુ મૃત્યુદર પંજાબના કેટલાક જિલ્લાનો હતો જે ચિંતાજનક ગણાતો હતો. સૌથી વધુ મૃત્યુદર ધરાવતા દસ જિલ્લામાં સાત જિલ્લા એકલા પંજાબના હતા. સૌથી વધુ સંક્રમણ એટલે કે ચેપ ધરાવતા દસ જિલ્લાઓમાં ચાર જિલ્લા હિમાચલ પ્રદેશના હતા.

રાજયોની વાત કરીએ તો સૌથી વધુ સંક્રમણ ૧૭.૮ ટકા મહારાષ્ટ્રમાં થઇ રહ્યું હતું. સૌથી વધુ સંક્રમણ દર ધરાવતા દસ જિલ્લામાં લાહોલ સ્પિતિમાં પચાસ ટકા, મલ્લાપુરમમાં ૧૯.૮ ટકા, સિમલામાં ૧૭.૨ ટકા, મંડીમાં ૧૪.૫ ટકા, કિન્નૂરમાં ૧૩.૫ ટકા, ત્રિચુરમાં ૧૩.૧ ટકા, દીમાપુરમાં ૧૨.૯ ટકા, ચંડીગઢમાં ૧૨.૮ ટકા, બેંગાલુરુ રુરલમાં ૧૨.૮ ટકા અને બેલ્લારીમાં ૧૨.૫ ટકાનો સમાવેશ થતો હતો.

સૌથી વધુ મૃત્યુદર ધરાવતા દસ જિલ્લામાં રોપડ ૫.૧ ટકા, ફતેહગઢ સાહિબમાં ૪.૭ ટકા, તરનતારનમાં ૪.૮ ટકા, સંગરુરમાં ૪.૩ ટકા, કપૂરથલામાં ૪.૩ ટકા, અમદાવાદ ૪.૨ ટકા, લુધિયાણા ૪ ટકા, મુંબઇ ૩.૯ ટકા, અમૃતસર ૩.૮ ટકા અને રત્નાગિરિ ૩, ૭ ટકાનો સમાવેશ થયો હતો.

(3:44 pm IST)