Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કોરોના, ફલુ અને એલર્જી વચ્ચેનો ફરક જાણો

અત્યારે વાયરલ, એલર્જીક તાવ અને કોરોનામાં શું છે તે બાબતે મુંઝાય છે લોકો

નવી દિલ્હી તા. ૧૯: ઋતુ બદલાતા કાયમની જેમ આ વખતે પણ વાયરલ સંક્રમણ થઇ રહ્યું છે. પણ કોરોનાના કારણે લોકોમાં વધારે ડર રહેતો હોય છે. મોસમી ફલુ (વાયરલ), એલર્જી અને કોરોના વચ્ચેનો ફરક ન જાણી શકવાના કારણે લોકો વધારે દવાઓ ખાઇ રહ્યા છે. આમ તો કોરોના પણ એક પ્રકારનો ફલુ જ છે. તેના લક્ષણો પણ વાયરલ જેવા જ હોય છે પણ થોડોક ફરક પણ છે આવો તેના વિષે વિસ્તારથી જાણીએ.

લક્ષણો દેખાય તો શું કરવું

આ ત્રણે તકલીફોમાં કેટલાક લક્ષણો એક જેવા જ હોય છે જો તાવ આવે તો પહેલા તો પોતાને આઇસોલેટ કરો. છીંકતી અથવા ખાંસતી વખતે નાક અને મોઢા પર કપડું રાખો. વધારે આરામ કરો. ખૂબ પાણી પીઓ. તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરીને દવાઓ લો.

કોગળા કરો, નાસ લો અને કસરત ન કરો

કોરોના, સીઝનલ ફલુ અથવા એલર્જી હોય તો નિયમીત ગરમ પાણીના કોગળા કરો. સવાર સાંજ નાસ લો અને જળનેતિ કરો. તાવ હોય તો કસરત ન કરો તેનાથી ફેફસાની ક્ષમતા ઘટે છે. આરોગ્ય પ્રદ અને હળવો ખોરાક ખાવ, ઉકાળેલું હુંફાળુ પાણી પીઓ અને લીંબુનું સેવન કરો.

માસ્ક પહેરવાથી ત્રણે સામે મળશે રક્ષણ

કેનિફોર્નિયા યુનિવર્સિટીએ કહ્યું છે કે માસ્ક ફકત કોરોના જ નહીં પણ ફલુ અને એલર્જીથી પણ બચાવે છે. તે ધૂળ, ધૂમાડો અને પરાગ કણોને નાકમાં જતા રોકે છે. એટલે બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો.

ચાલવામાં જો હાંફ ચડે તો ડોકટરને બતાવો

સવાર સાંજ છ મીનીટ ચાલીને ઓકસીજન લેવલ ચેક કરો, જો બે ત્રણ વાર ૯પ થી ઓછું લેવલ આવે તો ડોકટરને બતાવો. થાક અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી લાગે તો પણ ડોકટરને બતાવો. બની શકે કે ફેફસા પર તેની અસર થઇ રહી હોય.

તાવ બાબતે લોકોને હોય છે આ ભ્રમ

તાવ બાબતે લોકોમાં એવો ભ્રમ છે કે ૧૦૦૦ ફેરનહીટથી ઓછું ટેમ્પરેચર હોય તો તાવની દવા ન ખાવી. આવું નથી, કેટલાક લોકોમાં આનાથી પણ ઓછા ટેમ્પરેચરે શરીરમાં કળતર શરૂ થઇ જાય છે. હળવા તાવમાં પણ જો કળતર હોય તો પેરાસીટામોલ લેવી પણ પેનકિલર ન લેવી.

(2:57 pm IST)