Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ટુડોનું ચસ્કી ગયું : બેફામ બફાટ : ભારતીય રાજદ્વારીને કાઢી મૂકયા

જી-૨૦ સમિટ દરમિયાન ભારતે ભાવ ન આપતા કેનેડા ભુરાયું થયુ : કેનેડાનો વાણીવિલાસ... ભારતે સિખ નેતાની હત્યા કરાવી : ભારત લાલઘુમ : ટુડોના આરોપો ફગાવી દીધા : ટુડોને બતાવ્યો અરિસો

નવી દિલ્હી તા. ૧૯ : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર એક શીખ નેતાની હત્યાનો આરોપ લગાવ્યો છે. ટ્રુડોએ સોમવારે કેનેડાની સંસદમાં જણાવ્યું હતું કે ભારતીય સરકારી એજન્ટોએ જૂનમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી હતી. જો કે ભારતીય વિદેશ મંત્રાલયે આ આરોપોને નકારી કાઢયા છે અને કહ્યું છે કે, હિંસાના કોઇ કૃત્યમાં ભારત સરકારનાં હાથનો આરોપ મનઘડત છે.

ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ ભારતમાં યોજાયેલી જી-૨૦ બેઠક દરમિયાન તેમણે આ મુદ્દો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કેનેડા સરકાર દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે તેઓ આ પ્રકારના આરોપો લગાવી રહ્યા છે. અત્રે એ નોંધનીય છે કે, જી-૨૦ દરમિયાન ભારતે ટુડોને બહુ ભાવ ન આપતા તેઓ બેબાકળા બન્યા છે.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે સંસદમાં પીએમ ટ્રુડોના નિવેદન બાદ કેનેડાએ ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. કેનેડા સરકારનો આરોપ છે કે ભારતીય રાજદ્વારીઓ નિજ્જરની હત્યાની તપાસમાં દખલ કરી રહ્યા હતા.

કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલી કહે છે, શ્નહ્વટ આ બધું સાચું સાબિત થાય છે, તો તે અમારી સાર્વભૌમત્વ અને એકબીજા સાથે વ્યવહાર કરવાના મૂળભૂત નિયમોનું મોટું ઉલ્લંઘન હશે. એટલા માટે અમે ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. પીએમ ટ્રુડોએ આ મામલો અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન સમક્ષ પણ ઉઠાવ્યો છે.

તે જ સમયે કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ માહિતી આપી હતી કે કેનેડાની સરકારે એક ભારતીય રાજદ્વારીને દેશનિકાલ કર્યો છે, જે કેનેડામાં ભારતીય ગુપ્તચર વિભાગના વડા હતા. જો કે જોલીએ આ રાજદ્વારી વિશે કોઈ માહિતી આપી નથી.

૧૮ જૂને ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની કેનેડામાં હત્યા કરવામાં આવી હતી તે અત્રે નોંધનીય છે.

ટ્રુડોએ સાંસદોને કહ્યું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી આપણા દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે તેઓ આ હત્યાની તપાસમાં સહયોગ આપવા માટે ભારત સરકાર પર દબાણ લાવશે.

વડા પ્રધાન ટ્રુડોએ કહ્યું કે કેનેડામાં રહેતા ભારતીય મૂળના શીખોની મોટી વસ્તી આ હત્યાથી નારાજ છે. ઘણા શીખો તેમની સુરક્ષા માટે ડરમાં છે. દેશમાં ભારતીય મૂળના ૧૪ થી ૧૮ લાખ નાગરિકો છે, જેમાંથી ઘણા શીખ છે. કેનેડાની વિપક્ષી પાર્ટી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહ શીખ સમુદાયમાંથી છે.

કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો પહેલાથી જ તંગ છે. કેનેડાના પીએમના આ આરોપથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડવાની શકયતા છે. આ મહિનાની શરૃઆતમાં કેનેડાએ ભારત સાથેના વેપાર સોદા અંગેની વાતચીત બંધ કરી દીધી હતી. તે જ સમયે, ઞ્૨૦ દરમિયાન, પીએમ મોદીએ જસ્ટિન ટ્રુડો સાથે દ્વિપક્ષીય વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ હતો. કેનેડામાં રહીને તે લાંબા સમયથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને વેગ આપી રહ્યો હતો. ૧૮ જૂનના રોજ, કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરૃનાનક શીખ ગુરૃદ્વારા પાસે બે અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. નિજ્જર આ ગુરૃદ્વારાના વડા પણ હતા.

નિજ્જર તેની કારમાં ગુરૃદ્વારાની બહાર પાર્કિંગમાં હતો. આ દરમિયાન બે યુવકો મોટરસાઇકલ પર આવ્યા અને ફાયરિંગ શરૃ કર્યું. નિજ્જરને કારમાંથી બહાર નીકળવાનો સમય ન મળ્યો અને ત્યાં જ તેનું મોત થયું.

(3:16 pm IST)