Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

કેરળમાં હવે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં કડક પ્રતિબંધ મુકાશે : માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં લોકડાઉન લાદશે

રાજ્યમાં 4 ઓક્ટોબરથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને 1 નવેમ્બરથી શાળાઓ ખોલવાની યોજના

કેરળના એવા વિસ્તારોમાં જ્યાં કોરોના વાઈરસ સંક્રમણનો  ફેલાવો વધારે છે. ત્યાં ખાસ કરીને કડક લોકડાઉન પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારે રવિવારે આ માહિતી આપી હતી. મુખ્ય સચિવ વી.પી.જોય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જે વિસ્તારોમાં ‘વીકલી ઈન્ફેક્શન પોપ્યુલેશન રેશિયો’ (WIPR) 10થી વધુ છે, ત્યાં કડક પ્રતિબંધો લાગુ પડશે.

આદેશ મુજબ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા દર અઠવાડિયે આવા સ્થળોની ઓળખ કરવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી વેબસાઈટ અને અન્ય માધ્યમથી આપવામાં આવશે. આદેશ અનુસાર આ પછી જિલ્લા કલેક્ટર સૂચનાઓ અનુસાર સૂક્ષ્‍મ પ્રતિબંધિત વિસ્તારોને સૂચિત કરશે અને ત્યાં લોકડાઉન પ્રતિબંધ લાદશે.

 રાજ્યમાં 4 ઓક્ટોબરથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને 1 નવેમ્બરથી શાળાઓ ખોલવાની યોજના તૈયાર કરી રહ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી વી શિવકુટ્ટીએ દિવસની શરૂઆતમાં કહ્યું હતું કે સરકાર શાળાઓ ફરીથી ખોલવાની યોજના ઘડવાની પ્રક્રિયામાં છે અને 15 ઓક્ટોબર પહેલા મુખ્યમંત્રી વિજયનને સુપરત કરશે.

એમ પણ કહ્યું કે રાજ્ય સરકારે 4 ઓક્ટોબરે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પરત આવતા વિદ્યાર્થીઓ માટે કોવિડ -19 રસીની ઓછામાં ઓછો એક ડોઝ ફરજિયાત કર્યો છે. આ દરમિયાન રાજ્યએ સપ્ટેમ્બરના અંત સુધીમાં તમામ પુખ્ત વયના (18 વર્ષથી વધુ ઉંમરના લોકો) લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવાની તેની યોજના જાહેર કરી છે.

(11:47 pm IST)