Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડની ટીમના લેજન્ડરી સ્ટ્રાઈકર જીમ્મી ગ્રીવ્સનું ૮૧ વર્ષની વયે અવસાન

. તેમણે કલબ કક્ષાએ ૩૮૨ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૪૪ ગોલ ફટકાર્યા હતા

નવી દિલ્હી :  ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડની ટીમના લેજન્ડરી સ્ટ્રાઈકર જીમ્મી ગ્રીવ્સનું ૮૧ વર્ષની વયે અવસાન થતાં રમત જગતમાં શોકની લાગણી ફેલાઈ હતી. ગ્રીવ્સ છેલ્લા કેટલાક સમયથી બીમારીઓ સામે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમણે કલબ કક્ષાએ ૩૮૨ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૪૪ ગોલ ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડના ફૂટબોલ ઈતિહાસના બહેતરીન સ્ટ્રાઈકર્સમાં તેમને અગ્ર હરોળમાં સ્થાન આપવામાં આવે છે. ઈપીએલ કલબ ટોટેનહામ સ્પર્સ તરફથી તેમણે સર્વાધિક ૨૬૬ ગોલ ફટકાર્યા હતા. ચેલ્સી તરફથી પણ તેમણે ૧૩૨ ગોલ નોંધાવ્યા હતા.

ઈંગ્લેન્ડ ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં એકમાત્ર વખત ચેમ્પિયન બન્યું છે અને તે ટીમમાં ગ્રીવ્સ પણ સામેલ હતા. તેમણે ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ છ ગોલ હેટ્રિક નોંધાવી હતી. તેમને ઈંગ્લિશ ફૂટબોલના હોલ ઓફ ફૅમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

તેઓને વર્ષ ૨૦૧૫માં સ્ટ્રોક આવ્યો હતો. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતુ અને તેમને નિયમિત રીતે હોસ્પિટલની મુલાકાત લેવી પડતી હતી. તેમને ૨૦૨૧માં જ બ્રિટનના રાજવી પરિવારે તેમનું એમબીઈ મેડલ આપીને સન્માન કર્યું હતુ.

ઈંગ્લેન્ડની ટીમ ૧૯૬૬ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી. તે સમયે ફિફાના નિયમ અનુસાર માત્ર મેદાન પર રમવા ઉતરનારા ખેલાડીઓને જ મેડલ આપવામાં આવતા હતા. ટીમના અવેજી ખેલાડીઓને મેડલ મળતાં નહતા. ગ્રીવ્સે ગૂ્રપ સ્ટેજની તમામ મેચોમાં ભાગ લીધો હતો અને ટીમને આગેકૂચ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે ફ્રાન્સ સામેની આખરી લીગ મેચમાં તેમને ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેઓ નિર્ણાયક મેચો રમી શક્યા નહતા. ફિફાના નિયમ અનુસાર તેમને મેડલ આપવામાં આવ્યો નહતો. આખરે ૨૦૦૯માં ફિફાએ નિયમ બદલ્યો ત્યારે તેમને ૧૯૬૬માં વર્લ્ડ કપ જીતવા બદલ મેડલ આપવામાં આવ્યો હતો.

(11:27 pm IST)