Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાનારી ક્રિકેટમેચની ટિકિટ બ્લેકમાં રૂ. 1.20 લાખમાં

નવી દિલ્‍હી : દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાનારી ક્રિકેટમેચની ટિકિટ મેળવવા હોડ જામી છે. આ મેચની ટિકિટનું વેચાણ 15 ઓગસ્ટે શરૂ થયું હતું અને માત્ર 3 કલાકમાં બધી જ ટિકિટો વેચાઇ ગઇ. ડિમાન્ડ એટલી હતી કે 5 લાખથી પણ વધારે લાંબું ઓનલાઇન વેઇટિંગ લિસ્ટ હતું. બીજી તરફ ક્લાસિફાઇડ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પર આ મેચની ટિકિટો બ્લેકમાં બેરોકટોક વેચાઇ રહી છે. એક ટિકિટ 5,500 દિરહમ (અંદાજે 1.20 લાખ રૂ.)માં વેચાઇ રહી છે જ્યારે ટિકિટની વાસ્તવિક કિંમત 54 હજાર રૂ. છે.
5,400 રૂ.ની જનરલ ટિકિટ 54 હજાર રૂ.માં મળી રહી છે. આ મામલે એશિયા કપના ટિકિટિંગ પાર્ટનર ‘પ્લેટિનમ લિસ્ટ’એ જણાવ્યું કે ટિકિટનું આ રીતે વેચાણ ગેરકાયદે છે. લોકોએ ધ્યાનમાં રાખવું પડશે કે સ્ટેડિયમમાં પ્રવેશ દરમિયાન આવી અન્ય કોઇ માધ્યમથી ખરીદવામાં આવેલી ટિકિટો ગેરમાન્ય ઠરી શકે છે. આયોજકોએ પણ હવે ટિકિટવેચાણમાં ફેરફાર કર્યો છે. હવે ભારત-પાક.ની મેચની ટિકિટ અન્ય મેચોના પેકેજ સાથે જ ઉપલબ્ધ હશે.
ટિકિટ મેળવી ચૂકેલા નસીબદાર લોકો પૈકી એક એવા શારજાહના સાદ અહેમદે જણાવ્યું કે, ‘મેં સવારે 8 વાગ્યે એકસાથે 4 કમ્પ્યૂટર પર વેબસાઇટ ખોલી. નસીબદાર રહ્યો કે 20 જ મિનિટમાં ટિકિટ મળી ગઇ.’ દુબઇમાં રહેતા વિશાલ સિંહે જણાવ્યું કે ઓનલાઇન 4 કલાકની જહેમત બાદ માત્ર એક પ્રીમિયમ ટિકિટ મેળવવામાં સફળ રહ્યો.

પહેલી મેચની ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહેલા ઘણા ક્રિકેટરસિયા સુપર-4 મેચ અને ફાઇનલ માટે અત્યારથી જ સીટ રિઝર્વ કરવા પ્રયત્નશીલ છે. અમરદીપ સિંહે કહ્યું કે મને આશા છે કે ભારત-પાક. ફાઇનલમાં ટકરાશે. તેથી અત્યારથી ટિકિટ કન્ફર્મ કરાવવા માગું છું.

 

(12:44 pm IST)