Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ફોન ટેપિંગના આરોપો પર અમિતભાઈનો પલટવાર: વિશ્વસ્તરે ભારતને અપમાનિત કરવાનો લગાવ્યો આરોપ

અડચણ ઉત્પન્ન કરનાર લોકો પોતાના ષડયંત્રોથી ભારતના વિકાસ પથને પાટાથી નહીં ઉતારી શકે

નવી દિલ્હી : સંસદના ચોમાસું સત્રની શરૂઆત હંગામાની સાથે થઇ છે. વિપક્ષે ગૃહપ્રધાન અમિતભાઇ શાહના રાજીનામાની સાથે જેપીસી તપાસની માંગણી કરી છે. ત્યારે કેન્દ્રિય ગૃહપ્રધાન શાહે અનેક મુદ્દાઓને લઈને વિપક્ષ ઉપર પલટવાર કર્યો હતો.

તેમણે જણાવ્યું કે અડચણ ઉત્પન્ન કરનાર લોકો પોતાના ષડયંત્રોથી ભારતના વિકાસ પથને પાટાથી નહીં ઉતારી શકે.

આ વખતનું ચોમાસું સત્ર પ્રગતિના નવા પરિણામ આપશે. સત્ર ન ચાલવા દેવાની મંશાને સત્તા પક્ષ સમજી ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટનાઓના તથ્ય અને ક્રમ આખા દેશને જોવા માટે સામે છે.

આજે સંસદમાં ચોમાસું સત્ર શરું થયું છે. આ દરમિયાન અમિત શાહે પેગાસસ મામલે પણ વિપક્ષ ઉપર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે ગઇકાલે મોડી સાંજે અમે એક રિપોર્ટ જોયો, જેમા માત્ર એક ઉદ્દેશથી પ્રેરિત થઈને કેટલાક વિશેષ વર્ગના લોકો દ્વારા ફેલાવવામાં આવ્યો છે. આ પ્રકારનું કાર્ય વિશ્વ સ્તર ઉપર ભારતને અપમાનિત કરવા, આપણા રાષ્ટ્ર વિશે એ જ જૂની અવધારણાઓને આગળ વધારવા અને ભારતના વિકાસ પથને પાટા ઉપરથી ઉતારવા માટે કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ ઉપર વાર કરતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસનું આ મામલામાં કૂદવું કોઈ નવી વાત નથી. તેમને લોકતંત્રને કચડવાનો સારો અનુભવ છે. તેમનું પોતાનું ઘર ઠીક ન થવાના કારણે હવે સંસદમાં આવનારી કોઈપણ પ્રગતિશીલ વસ્તુઓને પાટા ઉપરથી ઉતારવાની કોશિશ કરી રહ્યા છે

(12:42 am IST)