Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

પશ્ચિમી યુરોપમાં પૂરથી ગંભીર સ્થિતિ : જર્મનીના બે પ્રાંતમાં સૌથી વધારે તબાહી:180 લોકોના મોત

હજારો લોકો લાપતા : કેટલાયને શોધી લેવાયા: અનેક લોકોના વેપાર અને ધંધા પૂરમાં તબાહ

પશ્ચિમી યુરોપમાં આવેલાં પૂર બાદ પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. પૂરને કારણે મૃત્ય પામનારા લોકોની સંખ્યા 180 સુધી પહોંચી ગઈ છે. અધિકારીઓનું કહેવું છે કે આ સંખ્યા હજી વધી શકે છે.

એકતરફ જ્યાં પૂરનું પાણી ધીમેધીમે ઊતરી રહ્યું છે ત્યાં પૂરનાં પાણીમાં ફસાયેલા લોકોને કાઢવા માટે બચાવકાર્ય પૂરજોરથી ચાલી રહ્યું છે.

જર્મનીના રાઇનલૅન્ડ-પૅલેટિનેટ પ્રાન્તમાં પૂરને કારણે સૌથી વધારે તબાહી મચી છે.અહીં પૂરને કારણે સૌથી વધારે મૃત્યુ થયાં છે. અધિકારીઓ મુજબ અત્યાર સુધી આ વિસ્તારમાં 110 લોકોનાં મૃત્યુ થયાં છે અને આ આંકડો વધી પણ શકે છે.કમ સે કમ 45 જેટલા લોકોનું જર્મનીના સૌથી ગીચ વસતી ધરાવતા પ્રાન્ત નૉર્થ રાઇન-વૅસ્ટફેલિયામાં મૃત્યુ થયું છે.

જર્મનીની જેમ બેલ્જિયમ પણ પૂરને કારણે પ્રભાવિત થયું છે. અહીં પૂરને કારણે 27 લોકો મૃત્યુ પામ્યા છે.જર્મન ચાંસલર એંજેલા મર્કેલ પણ પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યાં છે. તેમણે શુલ્ટ્ઝ ગામની મુલાકાત લીધી હતી.

ઑસ્ટ્રિયાના સાલ્ઝબર્ગ વિસ્તારમાં પૂરમાં ફસાયેલા લોકોને આપાત સેવાકર્મીઓએ બચાવ્યા હતા. સાલ્ઝબર્ગના એક શહેરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું.

ઑસ્ટ્રિયાની રાજધાની વિએનામાં પણ શનિવાર રાત સુધી ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા સાત અઠવાડિયામાં કુલ જેટલો વરસાદ નહોતો પડ્યો એટલો વરસાદ માત્ર શનિવારની રાત્રે જ પડી ગયો હતો.

જર્મનીમાં અપર બાવેરિયા વિસ્તારમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં અને રસ્તાઓમાં પાણી ઘૂસી આવ્યું હતું.

પશ્ચિમ જર્મનીમાં અધિકારીઓ મુજબ સ્ટેઇનબાત્ચેલ ડૅમ પર ખતરો ઊભો થઈ ગયો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખસેડવામાં આવ્યા છે.

યુરોપના નેતાઓ પૂરની આ પરિસ્થિતિ માટે પર્યાવરણમાં ફેરફારને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આ પૂરની અસર સ્વિટ્ઝરલૅન્ડ, લગ્ઝમબર્ગ અને નીધરલૅન્ડ્સ પર પણ પડી છે.નિષ્ણાતોનું કહેવું છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે આ પ્રકારે મુશળધાર વરસાદની સંભાવના વધી રહી છે. દુનિયામાં ઔદ્યોગિક યુગની શરૂઆતથી અત્યાર સુધી વૈશ્વિક તાપમાન 1.2 ડિગ્રી વધી ગયું છે.

જર્મનીમાં પૂરને કારણે મૃત્યુ પામનાર 156 લોકોમાં ચાર અગ્નિશમન વિભાગના કર્મીઓ પણ છે.હજારો લોકો લાપતા થયા હતા જેમાંથી કેટલાકને શોધી લેવાયા છે.કેટલાય લોકોના વેપાર અને ધંધા આ પૂરમાં તબાહ થઈ ગયા છે, શહેરોમાં પાણી ભરાતા વિજળી અને ગૅસની આપૂર્તિ પર અસર થઈ છે. સંપર્કલાઈનો પણ પ્રભાવિત થઈ છે.જેને કારણે બચાવકાર્યમાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે.

સમાચાર એજન્સી સાથે વાત કરતા નૉર્થ રાઇન વિસ્તારના સ્થાનિક રહેવાસી માઇકલ લૅંગે કહ્યું , "બધું તબાહ થઈ ગયું છે, કંઈ ઓળખી શકાતું નથી. કેટલાક શહેરોમાં લોકોએ ઘરમાં ભરાયેલા કાદવને સાફ કરવાનું કામ પોતાના હાથમાં લીધું છે પરંતુ તેમની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

(12:00 am IST)