Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

દિયા મિર્ઝા અને શ્રેયા ધનવન્તરી સ્ટારર ‘ગ્રે’ કાલે થશે રિલીઝ: ‘સહમતિ કેટલી જરૂરી ? સમજાવશે શોર્ટ ફિલ્મ

ફિલ્મ દર્શકોને સહમતિના અર્થને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં મદદ કરશે.

મુંબઈ :  એમેઝોન મીની ટીવીની લેટેસ્ટ શોર્ટ-ફિલ્મ ‘ગ્રે’,જે 20 મેના રોજ ફ્રીમાં પ્રીમિયર થવા જઈ રહી છે, સંબંધોમાં ક્યાં રેખા દોરવી તેની મૂંઝવણ દૂર કરે છે. આ શોર્ટ ફિલ્મમાં દિયા મિર્ઝા અને શ્રેયા ધનવંતરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દિયા મિર્ઝા અને શ્રેયા અભિનીત આ શોર્ટ ફિલ્મ દર્શકોને અનેક સવાલો વિચારવા મજબૂર કરશે. આ નાટક એક યુવતી નૈનાના જીવન પર આધારિત છે, જે એક અસ્વસ્થતા અનુભવ પછી મુશ્કેલ તબક્કામાંથી પસાર થાય છે જે તેના જીવનમાં બદલાવ લાવે છે.

ટૂંકી ફિલ્મનો પ્લોટ સહમતિ અને મિત્રતા વચ્ચેનો ભેદ પારખતી વખતે જે સંઘર્ષનો સામનો કરવો પડે છે, તેની આસપાસ વણાયેલો છે અને મોટા ભાગના કિસ્સાઓમાં તે પોતાની જાતને દોષી ઠેરવે છે. યુવા ઓરિજિનલ્સ દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મ ગ્રેનું લેખન અને નિર્દેશન સાક્ષી ગુરનાની દ્વારા કરવામાં આવ્યું છે.

એમેઝોન એડવર્ટાઈઝિંગ હેડ ગિરીશ પ્રભુએ આ શોર્ટ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે “Amazon Mini TV પર અમે હંમેશા અસરકારક વાર્તાઓ રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ, જે પ્રેક્ષકોનું મનોરંજન કરે છે અને તેને ઉજાગર કરે છે. સહમતિ વિશે આપણે બધા જાણીએ છીએ, તેના વિશે વાત કરીએ છીએ, પરંતુ આપણે તેને કેટલી સારી રીતે સમજીએ છીએ અથવા અપનાવીએ છીએ તે વાસ્તવિક પ્રશ્ન છે. અમારી પુરસ્કાર વિજેતા શોર્ટ ફિલ્મ લાઈબ્રેરીમાં આ અર્થપૂર્ણ વાર્તા ઉમેરવાનો અમને ગર્વ છે.”

યુવા ઓરિજિનલ્સના સહ-સ્થાપક અને સીઈઓ નિખિલ તનેજાએ જણાવ્યું હતું કે “યુવા ઓરિજિનલ્સમાં અમે યુવા ભારતીયોના ભાવનાત્મક સત્યોને પ્રતિબિંબિત કરતી વાર્તાઓ કહેવામાં વિશ્વાસ રાખીએ છીએ. વાર્તાઓ જે તેમને એક રીતે સાંભળવા અને જોવાની અનુભૂતિ કરાવે છે. ગ્રે ફિલ્મ પુનીત રૂપારેલ અને સાક્ષી ગુરનાનીની વાર્તા છે, જેનું નિર્દેશન સાક્ષી દ્વારા કરવામાં આવ્યું છે. તે સહમતિ વિશે એક શક્તિશાળી વાર્તા છે.”

તેમણે વધુમાં કહ્યું કે આ એક એવો વિષય છે જે ‘બ્લેક’ અને ‘વ્હાઈટ’ હોવો જોઈએ, પરંતુ તેને ઘણી વાર ‘ગ્રે’ તરફ ધકેલવામાં આવે છે કારણ કે આપણે ‘ના’નો અર્થ શીખવાની ના પાડીએ છીએ. અમને આશા છે કે આ ફિલ્મ દર્શકોને સહમતિના અર્થને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં મદદ કરશે. એમેઝોન મિની ટીવી સાથે સંકળાયેલા હોવાનો અમને ખૂબ જ ગર્વ છે, કારણ કે તેની વ્યાપક પહોંચ આ વાર્તાને દેશના દરેક ખૂણે ખૂણે લઈ જશે આ શોર્ટ ફિલ્મ આવતીકાલે એટલે કે 20 મેના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

(9:05 pm IST)