Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

લ્‍યો બોલો... ટેટુનો ક્રેઝ પણ તે લગાવવા કરતા કઢાવવાનો ખર્ચ વધુ : દર્દ ડબલથી પણ વધુ

અમદાવાદની સિવિલમાં ૧૧ વર્ષમાં ૧૧૦૦૦થી વધુ લોકોએ ટેટુ કઢાવ્‍યા : પ્રાઇવેટમાં ૧૦ થી ૨૦ હજારનો ખર્ચ : ટેટુ કઢાવવામાં સૌથી વધુ પ્રમાણ યુવતીઓનું : મશીનથી થયેલ ચિતરામણ કાઢવું અઘરૂં

અમદાવાદ તા. ૧૯ : યુવા વર્ગમાં છેલ્લા દાયકાથી ટેટૂનો ક્રેઝ વધ્‍યો છે. થોડા જ વર્ષોમાં ટેટૂનો કલર ઝાંખો થઇ જતા અથવા અન્‍ય કારણોસર લોકો ટેટૂ કઢાવવા ડર્મેટોલેજીસ્‍ટને ત્‍યાં પહોંચી જાય છે ત્‍યારે ટેટૂ બનાવ્‍યા કરતા વધારે ખર્ચ ટેટૂ કાઢવાનો થયા છે. હાલ ટેટૂ કઢાવવા માટે ૧૦થી લઇ ૨૦ હજાર સુધી ખર્ચ કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્‍પિટલમાં ૧૧ વર્ષમાં ૧૧ હજારથી વધુ લોકોએ ટેટૂ રિમૂવ કરાવ્‍યા છે. ટેટૂને કારણે ઇન્‍ફેક્‍શનથી લઇ એચઆઇવી થવાની શક્‍યતા ડર્મેટોલેજીસ્‍ટ જણાવી રહ્યાં છે. ઉપરાંત પ્રાઇવેટ ક્‍લીનીકમાં ટેટૂ કાઢવાના ચાઇના મશીન હોવાને કારણે ટેટૂ કઢાવ્‍યા બાદ ડાઘા રહી જવા, બળતરા થવી, ઘોસ્‍ટ ઇફેક્‍ટ(ટેટૂ કઢાવ્‍યું બાદ પણ તે જગ્‍યાએ ઇફેક્‍ટ રહેવી)જેવી તકલીફો થતી હોય છે.

સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવેલા મશીનની ખૂબી એ છે કે, ઝડપી અને સારી રીતે ટેટૂ રિમૂવ કરી શકાય છે. ઉપરાંત આડઅસર પણ ઓછી થાય છે. આખા ગુજરાતમાં આ મશીન ફક્‍ત સિવિલ હોસ્‍પિટલ અમદાવાદમાં છે. સિવિલ સ્‍કીન વિભાગના મદદનીશ અધ્‍યાપક ડો. ઉમેશ કારીયાએ જણાવ્‍યું હતું કે, સિવિલ હોસ્‍પિટલની વેબસાઇટ પર આ અંગેની માહિતી ઉપલબ્‍ધ કરવામાં આવી છે. ટેટૂ કરાવ્‍યું હોય ત્‍યારે સારૂ લાગે છે પરંતુ આગળ જતા તે તકલીફ આપનારું બને છે તેથી ટેટૂ કરાવવા ન જોઇએ. ઘણી વખત સફેદ ડાઘા પણ રહી જાય છે. ઉપરાંત એચઆઇવી સુધીની બીમારી થવાની શક્‍યતા રહેલી છે.

સિવિલ હોસ્‍પિટલના સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડો. રાકેશ જોષીએ જણાવ્‍યું હતું કે, સિવિલ હોસ્‍પિટલમાં ૨૦૧૦માં ટેટૂ રિમૂવ કરવા માટે ખાસ મશીન લાવવામાં આવ્‍યું હતું. અત્‍યાર સુધી અંદાજે ૧૧ હજાર જેટલા ટેટૂ રિમૂવ કરવામાં આવ્‍યા છે. ૭ ઇંચ સુધીનું ટેટૂ હોય તો ૭૦૦ અને તેનાથી મોટા કદનું ટેટૂ હોય તો ૧ હજાર રૂપિયા ચાર્જ વસૂલાય છે. નોંધનીય છે કે, ટેટૂ એક જ વારમાં થઇ જાય છે પરંતુ તેને કાઢવામાં દર મહિને એક સિટિંગ તબીબ પાસે કરવું પડે છે અને ત્રણ ચાર સિટિંગ બાદ ટેટૂ દૂર કરી શકાય છે. પ્રાઇવેટ હોસ્‍પિટલોમાં એક સિટિંગના ૨થી લઇ ૫ હજાર વસુલવામાં આવે છે. આમ ટેટૂ બનાવવા કરતા કાઢવાનો ખર્ચ વધી જાય છે.

હાલ જે ટેટૂનો ક્રેઝ ચાલી રહ્યો છે તે ટેટૂ મશીનથી કરવામાં આવે છે અને તેમાં મલ્‍ટી કલરનો ઉપયોગ થાય છે. જેમાં રેડ, ગ્રીન, બ્‍લ્‍યૂ, યલો કલરનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો તે ટેટૂ કાઢવાં મુશ્‍કેલ બને છે. આવા કલર વાપરવામાં આવ્‍યા હોય તે ટેટૂ કાઢ્‍યા બાદ ચામડીના રોગ થવાની ભીતિ સૌથી વધુ હોય છે.

આર્મી, એરફોર્સ, પોલીસ, બીએસએફ, એવિએશન, યુપીએસસી, જીપીએસસી, માર્કેટિંગ, એરહોસ્‍ટેસ સહિતની જગ્‍યાએ ગુજરાતના યુવક-યુવતીઓ નોકરીમાં જોડાઇ રહ્યાં છે. આવી નોકરીમાં જયારે ફિઝીકલ ટેસ્‍ટ લેવામાં આવે અને શરીર પર ટેટૂ હોય તો તે ઉમેદવારને અનફિટ કરવામાં આવે છે. અથવા તો, ટેસ્‍ટ સમયે જ ટેટૂ રિમૂવ કરવાની સલાહ આપવામાં આવે છે. આવા સૌથી વધુ લોકો ટેટૂ કઢાવવા હોસ્‍પિટલમાં આવે છે.

તબીબોના જણાવ્‍યા અનુસાર, નાની ઉંમરમાં પ્રેમ થઇ જાય ત્‍યારે લોકો પ્રેમિકા અથવા પ્રેમીના નામ સાથે ટેટૂ પડાવી દેતા હોય છે પરંતુ અમુક સમય પછી તે સંબંધ તૂટી જતો હોય છે અને લગ્ન જીવન બાદ ટેટૂ ખુંચવા લાગે છે. આવા લોકો પણ ટેટૂ કઢાવવા આવતા હોવાના કિસ્‍સા છે. ટેટૂ કઢાવવામાં સૌથી વધુ પ્રમાણ યુવતીઓનું હોય છે.

(1:21 pm IST)