Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કૂતરાના અવસાન બાદ આ પરિવાર મંદિર બનાવીને કરી રહ્યો છે પૂજા

કૂતરાની પ્રથમ વર્ષગાંઠ પર શેરીઓમાં રહેતા ૧૦૦થી વધુ કૂતરાઓને ખવડાવવામાં આવ્‍યા હતા

હુગલી, તા.  ૧૯ : તમે ઘણા એવા લોકોને જોયા હશે જેઓ કૂતરાઓને પ્રેમ કરે છે. પેટ લવર્સ આ પ્રાણીઓ પ્રત્‍યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે અનેક રીતો અપનાવે છે. પમિ બંગાળના હુગલીમાં રહેતા ઘોષ દસ્‍તીદાર પરિવારની વાત કંઈક અલગ છે. તે પોતાના પાલતુ કૂતરાને પરિવારના સભ્‍ય તરીકે માનતા હતા. જયારે આ કૂતરાનું અવસાન ત્‍યારે તેનું શ્રાદ્ધ કરવામાં આવ્‍યું હતું. હવે તેની પ્રથમ વર્ષગાંઠ પર શેરીઓમાં રહેતા ૧૦૦થી વધુ કૂતરાઓને ખવડાવવામાં આવ્‍યા હતા.

તરૂણ ઘોષ દસ્‍તીદારનો પરિવાર હુગલીના ચંદન નગર વિસ્‍તારમાં રહે છે. તેની પાસે અહીં ઘણા પાલતુ કૂતરા હતા.  તેમાંથી એકનું નામ તેણે બિચ્‍છુ રાખ્‍યું હતું. પરિવારના દરેક લોકો તેને ખૂબ પ્રેમ કરતા હતા. પરિવારે તેને પોતાની પુત્રની જેમ ઉછેર્યો હતો પરંતુ ગયા વર્ષે બિચ્‍છુનું મૃત્‍યુ થયું હતું. પરિવારના તમામ સભ્‍યોએ સાથે મળીને તેમનું શ્રાદ્ધ કર્યું હતું.  પરિવારે નક્કી કર્યું કે દર વર્ષે બિચ્‍છુની વર્ષગાંઠ એવી જ રીતે ઉજવવામાં આવશે જેવી રીતે માનવી ઉજવવામાં આવે છે.

આ ઈરાદાથી રવિવારે તેણે પોતાના ઘરને ફૂલોના હારથી સજાવ્‍યું હતું. બિચ્‍છુંની તસવીર સામે રાખીને તેના પર માળા ચઢાવી હતી. બાદમાં આસપાસના કૂતરાઓ માટે મીટ રાઈસ બનાવીને ખવડાવ્‍યા હતા. તેણે રસ્‍તા પર રખડતા કૂતરાઓને વાનમાં લઈ જઈને સારવાર પણ કરાવી હતી. આ દરમિયાન પરિવારે ૧૦૦ જેટલા કૂતરાઓને ખવડાવ્‍યા હતા.

નોંધનીય છે કે ઘોષ દસ્‍તીદાર પોતે શાકાહારી છે પરંતુ તેમણે કૂતરા માટે મીટ અને રાઈસ બનાવ્‍યા હતા કારણ કે તેમને કૂતરાઓ પ્રત્‍યે લગાવ છે.

એવું નથી કે દાસ્‍તીદાર પરિવારે પહેલીવાર કૂતરાઓ માટે ભોજન તૈયાર કરીને વહેંચ્‍યું હોય. તેઓ અવારનવાર સેંકડો ત્‍યજી દેવાયેલા કૂતરાઓને ખવડાવે છે. વન્‍ય પ્રાણીઓ પ્રત્‍યે દાસ્‍તીદાર પરિવારનો આ પ્રેમ જોઈને માત્ર પ્રાણીપ્રેમીઓ જ નહીં આસપાસના લોકો પણ તેમના વખાણ કર્યા વિના રહી શકતા નથી.

(11:05 am IST)