Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ક્‍વાટ સમિટ માટે જાપાન જશે બિડેન : પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે

ક્‍વોડમાં ભારત, ઓસ્‍ટ્રેલિયા, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે

વોશિંગ્‍ટન તા. ૧૯ : યુએસ પ્રમુખ જો બિડેન આવતા અઠવાડિયે બીજી વ્‍યક્‍તિગત ક્‍વાડ સમિટ માટે જાપાનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને આ માહિતી આપી. ક્‍વોડમાં ભારત, ઓસ્‍ટ્રેલિયા, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે. ઓસ્‍ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસ સાથે મળીને રચાયેલ, ક્‍વાડ ગ્રૂપ એ અગાઉના રાષ્ટ્રપતિ એટલે કે ટ્રમ્‍પ એડમિનિસ્‍ટ્રેશનની પહેલ છે. અત્‍યાર સુધીમાં ત્રણ ક્‍વોડ સમિટ થઈ છે, જેમાંથી બે વર્ચ્‍યુઅલ રહી છે.

સુલિવને વ્‍હાઇટ હાઉસની નિયમિત ન્‍યૂઝ કોન્‍ફરન્‍સમાં પત્રકારોને જણાવ્‍યું હતું કે, ‘અમારૂં માનવું છે કે આ પરિષદ લોકશાહી કામ કરે છે અને આ ચાર દેશો, સાથે મળીને કામ કરીને, ખુલ્લા અને મુક્‍ત ઇન્‍ડો-પેસિફિકના સિદ્ધાંતને જાળવી રાખશે.'

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે બિડેન ટોક્‍યોમાં નવી અને મહત્‍વાકાંક્ષી આર્થિક પહેલનો પણ પાયો નાખશે. નવા આર્થિક પડકારોને પહોંચી વળવા માટે ઈન્‍ડો-પેસિફિક ઈકોનોમિક ડ્રાફટ (IPEF) લાવવામાં આવી રહ્યો છે.

‘ડ્રાફટમાં સુરક્ષિત અને મજબૂત સપ્‍લાય ચેઇન સુનિતિ કરવા માટે ડિજિટલ અર્થતંત્ર માટે નિયમો તેમજ ઉર્જા અને સ્‍વચ્‍છ, આધુનિક હાઇ-એન્‍ડ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વગેરેમાં રોકાણ કરવા માટેના નિયમો મૂકવામાં આવશે,' તેમણે કહ્યું.

IPEFના વિમોચન દરમિયાન જાપાનના વડા પ્રધાન ફયુમિયો કિશિદા પણ બિડેન સાથે હાજર રહેશે. જાપાન જતા પહેલા બિડેન દક્ષિણ કોરિયા જવાના છે.

(10:55 am IST)