Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે પંજાબમાં આવો જ વિવાદ:શીખ અને હિંદુ સમુદાયે કર્યો દાવો

શીખ અને હિંદુ સમુદાયના સભ્યોએ મુસ્લિમ સમુદાય પર શીખ ધર્મશાળાને મસ્જિદમાં બળજબરીથી કબજે કરવાનો અને રૂપાંતર કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી :  યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ બાદ હવે પંજાબના રાજપુરા, પટિયાલામાં પણ આવો જ વિવાદ સામે આવ્યો છે. શીખ અને હિંદુ સમુદાયના સભ્યોએ મુસ્લિમ સમુદાય પર શીખ ધર્મશાળાને મસ્જિદમાં બળજબરીથી કબજે કરવાનો અને રૂપાંતર કરવાનો આરોપ લગાવ્યો છે. જયારે મુસ્લિમ સમુદાયે આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ગુજરાંવાલા મોહલ્લામાં આવેલી મસ્જિદ આઝાદી પૂર્વેની છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, બે શીખ પરિવારો 2017 સુધી વિવાદિત માળખામાં રહેતા હતા અને કથિત રીતે તેને છોડી દેવાની ફરજ પડી હતી. એવું જાણવા મળે છે કે વક્ફ બોર્ડે 2016માં આ માળખા પર દાવો કર્યો હતો.

સ્થાનિકોએ જણાવ્યું કે ધર્મશાળાને બે વર્ષ પહેલા મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવી હતી. અને એક ગુંબજ બનાવી તેને લીલો રંગ કરવામાં આવ્યો હતો. સંરચનામાંથી શીખ ધર્મના પ્રતીકો હટાવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે મસ્જિદ 1947 પહેલા પણ અસ્તિત્વમાં હતી અને હવે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.

સ્થાનિકોએ કહ્યું કે હરિયાણા અને ઉત્તર પ્રદેશના લોકો આ વિસ્તારમાં મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. તે પછી અહીં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે બંને પક્ષોને તેમના દાવા સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે  પણ કહેવામાં આવ્યું છે.

આ અંગે રાજપુરા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મેં બંને પક્ષોને સાંભળ્યા છે. શીખો અને હિન્દુઓ દાવો કરે છે કે આ માળખું મૂળ ધર્મશાળાનું હતું, પરંતુ મુસ્લિમ સમુદાય દાવો કરે છે કે તે એક મસ્જિદ હતી. બંને પક્ષકારોને જરૂરી દસ્તાવેજો જમા કરાવવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો છે.

(11:10 pm IST)