Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

દેશમાં કોરોનાના વ્યાપને જોતા જોનસનનો ભારત પ્રવાસ મુલતવી

દેશમાં કોરોનાના કેસ નવા વિક્રમો સર્જે છે : જોનસને પોતાની ભારત યાત્રા મુલતવી રાખી, હવે તેઓ થોડા દિવસો બાદ ભારત આવવાની યોજના બનાવી શકે છે

નવી દિલ્હી, તા. ૧૯ : ભારતમાં કોરોના બેકાબૂ થઈ ગયો છે અને દરરોજ કેસની સંખ્યા નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. ભારતમાં વધી રહેલા સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને યુનાઈટેડ કિંગ્ડમના વડાપ્રધાન બોરિસ જોનસને પોતાની ભારત યાત્રા મુલતવી રાખી દીધી છે. હવે તેઓ થોડા દિવસો બાદ ભારત આવવાની યોજના બનાવી શકે છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન ૨૫ એપ્રિલના રોજ ભારત આવવાના હતા પરંતુ હવે પ્રવાસ ટાળી દેવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં વકરી રહેલા કોવિડ-૧૯ સંક્રમણને કારણે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન પર ભારત પ્રવાસ રદ્દ કરવાનું દબાણ વધી ગયું હતું. બ્રિટનની વિપક્ષ લેબર પાર્ટીએ પણ બોરિસ જોનસન પોતાનો પ્રવાસ રદ્દ કરે તેવી માંગણી કરી હતી.

સાથે લેબર પાર્ટીએ બોરિસ જોનસન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધ મામલે ઓનલાઈન ચર્ચા શા માટે નથી કરતા તેવો સવાલ કર્યો હતો

સાથે બીજી વખત બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ્દ થયો છે. અગાઉ ૨૬ જાન્યુઆરીના રોજ પણ તેમની ભારત યાત્રા મુલતવી રહી હતી. ૨૦૧૯માં યોજાયેલી બ્રિટનની સામાન્ય ચૂંટણી બાદ તે બ્રિટિશ પીએમની પહેલી મોટી વિદેશ યાત્રા હતી અને હવે તેને પણ મુલતવી રાખવામાં આવી છે.

(7:59 pm IST)