Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

દિલ્હીમાં રાતથી ૬ દિવસનું લોકડાઉન

સ્થિતિ 'આઉટ ઓફ કંટ્રોલ' થતા કેજરીવાલ સરકારનો નિર્ણય દિલ્હીમાં રાતથી ૬ દિવસનું લોકડાઉન

આજે રાત્રે ૧૦ થી ૨૬મીએ સવાર સુધી અમલી રહેશેઃ દુકાનો-બજારો-મોલ્સ-વીકલી માર્કેટ-શાળા-કોલેજો-સિનેમા-હોટલ-સ્પા-જીમ વગેરે બંધ રહેશે

નવી દિલ્હી, તા. ૧૯ :. દેશના પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસે તાંડવ મચાવતા અને ભયાનક પરિસ્થિતિ ઉભી થતા રાજ્યની કેજરીવાલ સરકારે ૬ દિવસના લોકડાઉનનું એલાન કર્યુ છે. આ લોકડાઉન આજે રાત્રીથી ૨૬મીના સવાર સુધી રહેશે. રાજ્યમાં કોરોના બેકાબુ બનતા સરકારને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. આ લોકડાઉન દરમિયાન કારણ વગર બહાર નિકળવા પર મનાઈ રહેશે એટલુ જ નહિ વીકએન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો રહેશે. આ દરમિયાન તમામ સિનેમા, ઓડીટોરીયમ, સ્પા, જીમ, મોલ, બજારો વગેરે બંધ રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ મળતી રહેશે. દરમિયાન આજે લોકડાઉનનું એલાન થતા જ બજારોમાં હલચલ જોવા મળી હતી. સૌથી વધુ ગીર્દી દારૂની દુકાન પર જોવા મળી હતી. લોકો પેટી ભરીભરીને દારૂ  અને બીયર ખરીદતા જોવા મળ્યા હતા. દિલ્હીમા બેન્ક, એટીએમ ખુલ્લા રહેશે. પેટ્રોલ પંપો પણ ખુલ્લા રહેશે. ધાર્મિક સ્થળો ખુલા રહેશે પરંતુ પ્રવેશ નહી અપાય. તમામ પ્રાઈવેટ ઓફિસો વર્ક ફ્રોમ હોમથી કામ કરશે. સરકારી ઓફિસોમાં અડધી હાજરી રહેશે. હોસ્પીટલ જનારા, વેકસીન લેવા જનારા, દવા લેવા જનારાને છૂટ મળશે. રેલ્વે, એરપોર્ટ, બસ સ્ટેશન જતા લોકોને છૂટ મળશે.

દિલ્હીમાં ૬ દિવસનું લોકડાઉન સોમવારે રાતે દસ વાગ્યાથી આવતા સોમવાર સવારે ૫ વાગ્યા સુધીનું રહેશે. આ અંગે એલાન કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રવાસી મજુરોને ખાસ અપીલ કરી છે. તેઓએ કહયું કે હું ખાસ કરીને હાથ જોડીને વિનંતી કરૂ છું કે આ એક નાનુ લોકડાઉન છે. ૬ દિવસનું દિલ્હી છોડીને નહિ જવાની અપીલ કરી છે.

આ દરમ્યાન જીવન જરૂરીયાતની વસ્તુઓની સેવા ચાલુ રહેશે. મેડિકલ સેવાઓ, ખાણી-પીણીની સેવાઓ ચાલુ રહેશે. લગ્નપ્રસંગો પણ ૫૦ લોકોની મર્યાદિત સંખ્યામાં યોજાશે. તેના માટે અલગથી પાસ આપવામાં આવશે.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું દિલ્હીમાં કેટલાક દિવસો માટે લોકડાઉન લગાવવું જરૂરી છે. આજ રાત્રે ૧૦ વાગ્યાથી આગામી સોમવાર સવાર સુધી(૬ દિવસ) લોકડાઉન લગાવાશે. લગ્નની સિઝન છે, તેના સંબંધો તોડવા નથી માંગતા, પરંતુ ૫૦ લોકો સાથે યોજાય. આ નાનું લોકડાઉન છે ૬ દિવસનું લોકડાઉન છે. તમારા આવવા જવામાં એટલો સમય ખરાબ થઇ જશે. આને વધારવાની જરૂરિયાત નહીં પડે. તમે દિલ્હીમાં રહો. આપણે સૌ સાથે મળીને આ મુશ્કેલી સામે લડીશું. હું તમારો સંપૂર્ણ ખ્યાલ રાખીશ. હું છું ને મારા પર ભરોસો રાખો. તમે સૌ લોકો જાણો છો કે, મેં હંમેશા લોકડાઉનનો વિરોધ કર્યો છે. લોકડાઉનથી કોરોનાની સ્પિડ ઓછી થઇ જાય છે.

દિલ્હીમાં કોરોના સંકટના કારણે પરિસ્થિતિ હવે બેકાબૂ થઇ ગઇ છે. દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં બેડ્સ નથી, ઓકિસજનની પણ અછત છે. ત્યારે આ જ કારણે દિલ્હીમાં હવે કડક નિર્ણય લેવો પડ્યો છે.

ઓકિસજન અને રેમડેસિવિરની અછતને લઇને દિલ્હી સરકારે એકશન લીધા છે. એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો છે, જે હેઠળ સપ્લાઈનો ડેટા રાખવામાં આવશે. સરકારે આના માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરી દીધી છે.

કોરોનાના પ્રકોપ વચ્ચે દિલ્હીમાં DRDO દ્વારા સરદાર પટેલ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં હજુ ૫૦૦ બેડ્સ શરૂ કરાયા છે, જેમાંથી ૨૫૦ બેડ ભરાઇ ચૂકયા છે. અહીં ઓકિસજન સપ્લાઈની સાથો સાથે કંડીશનની પણ સુવિધા છે. અહીં પર બેડ્સની સંખ્યા વધારીને ૧૦૦૦ સુધી કરવામાં આવશે.

(3:29 pm IST)