Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

એલન મસ્‍કની ટેસ્‍લા કંપનીની ડ્રાઈવરલેસ કારને ભયાનક અકસ્‍માત : મોટર સળગી જતા ૨ના મોત

હોસ્‍ટન (યુએસએ) : જગપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને ટેકનોક્રેટ એલન મસ્‍કની કંપની ટેસ્‍લાની ડ્રાઈવરલેસ મોટરનું એક્‍સિડન્‍ટ થયુ છે, જેમાં ૨ લોકોના મૃત્‍યુ થયા છે. એલન મસ્‍ક પોતાની નવી નવી શોધો અને જાહેરાતોને લીધે જાણીતા છે. તેમની કાર કંપની ટેસ્‍લા ઈલેકટ્રીક કાર બનાવવા માટે જગવિખ્‍યાત છે.

આ સાથે જ એલન મસ્‍કની કંપની ટેસ્‍લા ડ્રાઈવરલેસ કાર પણ બનાવી રહી છે. એટલે કે ટેસ્‍લાની આ મોટર ડ્રાઈવર વિના ચાલે છે, પરંતુ ટેકનોલોજી ઉપર તમે સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકતા નથી તેમ કહેવાય છે ત્‍યારે ટેસ્‍લાની ડ્રાઈવરલેસ કાર પણ ધોખો આપી ચૂકી છે. અમેરીકાના હોસ્‍ટનમાં ડ્રાઈવર વિનાની ટેસ્‍લાની આ મોટરને એકિસડન્‍ટ થયો છે.  ટેસ્‍લા કંપનીના કહેવા મુજબ બનાવ સમયે ઓટો પાયલોટ મોડમાં રહેલ ડ્રાઈવર લેસ કાર એક ઝાડ સાથે અથડાઈ હતી અને ત્‍યારે મોટરમાં આગ લાગી ગઈ હતી. બનાવ સમયે બે વ્‍યકિતઓ મોટરમાં બેઠા હતા. જે બંનેના મૃત્‍યુ થયા છે. ડ્રાઈવરની સીટ ઉપર કોઈ બેઠુ ન હતુ, પરંતુ એક વ્‍યકિત ડ્રાઈવરની બાજુની સીટ ઉપર બેઠુ હતું અને એક વ્‍યકિત પાછળની સીટ ઉપર બેઠી હતી.  આ બંનેના મૃત્‍યુ થયા છે.

સ્‍થાનિક અખબારી અહેવાલો મુજબ અકસ્‍માત સમયે ડ્રાઈવરલેસ કારની સ્‍પીડ ખૂબ જ વધુ હતી. આ મોટર ૨૦૧૯ની મોડલ એસ ૩ હતી.

અહેવાલો મુજબ ભારે સ્‍પીડમાં જઈ રહેલ ટેસ્‍લાની ડ્રાઈવર લેસ કાર એક વળાંક ઉપર પોતાનું નિયંત્રણ ગુમાવી બેસેલ અને અકસ્‍માત પછી આગ લાગી ગઈ. પછી બંને કારમાં બેઠેલા લોકો બહાર નીકળી શકયા ન હતા. હોસ્‍ટનના અકસ્‍માત પછી ટેસ્‍લાની ડ્રાઈવર લેસ કાર માટે ગંભીર પ્રશ્નો સર્જાયા છે. આ કાર સેમી ઓટોમેટેડ હતી. ટેસ્‍લા પોતાના ગ્રાહકો માટે ખૂબ જ ઝડપથી ફુલ સેલ્‍ફ ડ્રાઈવીંગ સોફટવેર સાથે નવી કાર લોન્‍ચ કરવાની તૈયારી કરી રહેલ છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ટેસ્‍લાની ૨૭ મોટરોને અકસ્‍માત થયેલ છે. આ પછી અમેરીકાની ઓટો સેફટી એજન્‍સીઅ.ે ટેસ્‍લા મોટરોની તપાસ શરૂ કરી દીધેલ છે. અહેવાલ મુજબ ૩ અકસ્‍માતો તાજેતરમાં થયા છે. શનિવારે થયેલ અકસ્‍માત પછી બે દિવસ વીતી ગયા પછી ટેસ્‍લા કંપની તરફથી માત્ર એટલુ કહેવાયુ છે કે બનાવ સમયે આ મોટર ઓટો પાયલોટ મોડમાં હતી.

પ્રત્‍યેક દિવસમાં સેંકડો ટ્‍વીટ કરનાર ટેસ્‍લાના માલિક અને દુનિયાના સૌથી અમીર વ્‍યકિત એલન મસ્‍ક તરફથી આ અકસ્‍માત માટે એક પણ ટ્‍વીટ થયેલ નથી અને પોતાની સંવેદના જાહેર પણ કરી નથી.

ટેસ્‍લાના સીઈઓ એલન મસ્‍કે જાન્‍યુઆરીમાં કહ્યુ હતું કે મને બેહદ આત્‍મવિશ્વાસ છે કે આ વર્ષના અંત સુધીમાં પૂરા વિશ્વાસ સાથે સંપૂર્ણ ડ્રાઈવ કરવામાં ડ્રાઈવરલેસ કાર સક્ષમ બની જશે.

(12:08 pm IST)