Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો : સજ્જાદ લોને છોડ્યો સાથ : કહ્યું -હવે PAGD ગઠબંધનનો ભાગ નહીં

અન્ય દળોએ ડીડીસી ચૂંટણીમાં પ્રૉક્સી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હોવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો લાગ્યો છે. પીપુલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોને પીપુલ્સ એલાયન્સ ગુપકાર ડિક્લેરેશન (PAGD)માંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે. સજ્જાદ લોને પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાહ, જે આ ગઠબંધનના પ્રમુખ રહ્યાં છે- તેમને પત્ર લખી ગઠબંધનથી અલગ થવાનું કારણ પણ જણાવ્યું હતું. સજ્જાદ લોને આરોપ લગાવ્યો કે, અન્ય દળોએ ડીડીસી ચૂંટણીમાં પ્રૉક્સી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

નેશનલ કોન્ફરન્સ (એનસી)ના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાહને લખેલા પત્રમાં સજ્જાદ લોને કહ્યું કે,'અમારી માટે એ કામ મુશ્કેલ છે કે અમે ગઠબંધનમાં રહીએ અને કંઈ થયું જ નથી તેવો દેખાડો કરીએ. સાથી પક્ષો વચ્ચે વિશ્વાસ ભંગની ઘટના બની છે જે બાબતે સમાધાન થઈ શકે તેમ નથી. મારા પક્ષમાં મોટાભાગના લોકોએ માન્યું કે, અમે વસ્તુઓ બગડે તેની રાહ જોયા વગર સમ્માન સાથે ગઠબંધનમાંથી બહાર નીકળી તે જ સારું રહેશે. આ સાથે જ હું પૃષ્ટિ કરું છું કે અમે હવે PAGD ગઠબંધનનો ભાગ નહીં બનીએ.

સજ્જાદ લોન પર તેમના પક્ષની અંદરથી જ દબાણ હતું કે તેઓ ગુપકાર ગઠબંધન છોડી દે. પક્ષના મોટાભાગના નેતા આ માટે તૈયાર નહોતો અને આ અંગે તેમણે પક્ષની બેઠકમાં જણાવી દીધું હતું. ડીડીસી ચૂંટણી પર સજ્જાદ લોને કહ્યું કે,'આ ગઠબંધનને બલિદાન આપવાની જરૂર હતી. દરેક પાર્ટીએ સાથી પક્ષોને સપોર્ટ આપવા માટે પાયાના સ્તરે બલિદાન આપવું જોઈતું હતું. જોકે  કોઈ પક્ષ આમ કરવા તૈયાર નથી.' પીપુલ્સ કોન્ફરન્સના ઈમરાન રઝા અંસારી અને અબ્દુલ ગની વકીલે એનસી અને પીડીપી નેતા સાથે ગઠબંધન મામલે સજ્જાદ લોનની ટીકા કરી હતી.

ગુપકાર ગઠબંધન 6 પક્ષોનું એક રાજકીય ગઠબંધન છે, જેની રચના ગત વર્ષે 15 ઓક્ટોબરે કરવામા આવી હતી. ગઠબંધન સાથે જોડાયેલા રાજકીય દળોએ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તતા અને વિશેષ દરજ્જાને પરત મેળવવાના હેતુસર ગઠબંધનને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. આ ગઠબંધનમાં જમ્મુ-કાશ્મીરના નેશનલ કોન્ફરન્સ, પીડીપી સહિતના 6 પક્ષો સામેલ થયા હતા.

(11:24 pm IST)
  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST

  • સુભાષબાબુનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે દર વર્ષે દેશ આખો ઉજવશે : મોદી સરકારની જાહેરાત ૨૩ જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાની મોદી સરકારે જાહેરાત કરી છે. દર વર્ષે 'પરાક્રમ દિવસ' તરીકે સુભાષબાબુનો જન્મ દિવસ ઉજવવામાં આવશે તેમ સાંસ્કૃતિક બાબતોના કેન્દ્રીય મંત્રાલય આજે જાહેર કરેલ છે. access_time 11:35 am IST

  • ' ખેતી કા ખૂન ' : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુકલેટ લોન્ચ કરી : નવા કૃષિ કાનૂનથી સમગ્ર દેશની ખેતી ઉપર ચારથી પાંચ કોર્પોરેટ ક્ષેત્રોનો કબજો આવી જશે : પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું access_time 8:58 pm IST