Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

લોકડાઉનમાં બ્રેકઅપ થયું, તો યુવકે 'દિલ તૂટા આશિક' નામનું કાફે ખોલ્યુ !

નવી દિલ્હી, તા.૧૯: સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં જેમને દગો મળે છે તેવા લોકો કાંતો સફળતાના શિખર પર પહોંચે છે અથવા તો બરબાદ થઇ જાય છે. આવા અનેક ઉદાહરણો પણ તમે જોયા હશે. જેમનું દિલ તૂટ્યું હોય તેવા લાકો માટેની રીતસરની એક ગિડલાઇન આપણી પાસે હોય છે. ત્યારે આજે અહીં આવા જ એક વ્યકિતની વાત કરવી છે. દહેરાદૂનના ૨૧ વર્ષના આ યુવકનું નામ છે દિવ્યાંશુ બત્રા, તેનું પણ દિલ તૂટી ગયું, શરુઆતમાં તો તેણે પણ પ્રેમમાં દગો મળેલા વ્યકિતની ગાઇડલાઇનનું પાલન કર્યુ પરંતુ બાદમાં પોતાની જાતને સંભાળી લીધી.

લોકડાઉનના સમયમાં જયારે આખી દુનિયા એકલતાનો સામનો કરી રહી હતી ત્યારે જ દિવ્યાંશુનુ બ્રેકઅપ થયું. તેનો આ પ્રેમ હાઇ સ્કૂલ વાળો હતો. તમને ખબર જ છે કે જયારે કોઇ વ્યકિતનું દિલ તૂટે છે ત્યારે માણસ ખાવાનું તો છોડી જ દે છે પણ સાથે અરીજીત સિંહના ગીતો સાંભળવાનું પણ બંધ કરી દે છે. દિવ્યાંશુના ૬ મહિના પણ આમ જ ગયા. તે ડિપ્રેસ થઇ ગયો અને પબજીની પાછળ પડી ગયો. પરંતુ બાદમાં એક દિવસ તેણે નવેસરથી જીવન શરૂ કરવાનો નિર્ણય કર્યો.

દિવ્યાંશુએ એક કાફે ખોલવાનો નિર્ણય કર્યો. કાફેનું નામ તેણે કંઇક અલગ જ રાખ્યું. એવું નામ જે જેમાં તેના તૂટેલા દિલની વાત હોય, એવું નામ જેની સાથે લોકો પોતાની જાતને કનેકટ કરી શકે. આ નામ છે 'દિલ તૂટા આશિક ચાય વાલા'. તેની મમ્મીએ તો તેનો સાથ આપ્યો પરંતુ તેના પપ્પાને આ નામ પસંદ નહોતું. તેવાં એક દિવસ કાફેમાં આવેલા એક વ્યકિતએ કાફેના વાતાવરણ અને ખાવાની પ્રશંસા કરી ત્યારે દિવ્યાંશુના પપ્પાને વિશ્વાસ થયો કે હું કંઇક સારૃં જ કરુ છું.

દિવ્યાંશે જણાવ્યું કે હું ઇચ્છુ છુ કે લોકો મારા કેફેમાં આવે અને તેમના બ્રેકઅપની વાતો શેર કરે. જેથી હું દુઃખમાંથી બહાર નિકળવામાં તેમની મદદ કરી શકુ. હું આ કામમાં સફળ પણ થઇ રહ્યો છુ.

(10:30 am IST)