Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ધારાસભ્યો ગેરલાયક જાહેર કરાતા એએપી ઉપર પ્રહારો

કેજરીવાલના રાજીનામાની ભાજપ-કોંગ્રેસની માંગ : અણ્ણા હઝારે સાથે મળીને ભ્રષ્ટાચાર સામે જંગ છેડનાર એએપીના સભ્યો હવે સૌથી ભ્રષ્ટ બની ગયા છે : ભાજપ

નવીદિલ્હી,તા. ૧૯ : ચૂંટણી પંચ દ્વારા શુક્રવારના દિવસે લાભના હોદ્દાના મામલામાં દિલ્હીની સત્તારુઢ પાર્ટી આમ આદમી પાર્ટીના ૨૦ ધારસભ્યોને ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ વિપક્ષી પાર્ટીએ કેજરીવાલ સરકાર ઉપર પ્રહાર કર્યા છે. ભાજપ અને કોંગ્રેસે મુખ્યમંત્રી કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે. ભાજપે પત્રકાર પરિષદ યોજીને કેજરીવાલ પર નૈતિક હુમલા કર્યા હતા અને કહ્યું હતું કે, કેજરીવાલે નૈતિક આધાર પર રાજીનામુ આપી દેવું જોઇએ. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, જો પાર્ટીએ અણ્ણા હઝારેની સાથે મળીને ભ્રષ્ટાચારની સામે આંદોલન કર્યા હતા તે તેનાથી વધારે ભ્રષ્ટાચારી કોઈ નથી. એએપીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમની પાસે નૈતિકતા પણ રહી નથી. એમ પણ નૈતિકતાના કેજરીવાલ સાથે દૂર દૂર સુધી સંબંધો રહ્યા નથી. એએપીની વાસ્તવિકતા લોકોની સામે આવી ચુકી છે. સંબિત પાત્રાએ એએપી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનથી આઈએમ કરપ્શન એએપીએ નાની અવધિમાં આ અંતર કાપી લીધું છે. ભાજપના નેતાએ આક્ષેપ કર્યો હતો કે, એએપીના ૧૫ ધારાસભ્યો ઉપર કેસ ચાલી રહ્યા છે. આ મામલામાં ૧૨ ધારાસભ્યો ક્યારે પકડાશે. દિલ્હીની સરકાર લોકો સાથે વિશ્વાસઘાત કરી રહી છે. માર્ચ ૨૦૧૫માં કેજરીવાલ સરકાર સત્તામાં આવી હતી અને ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવી દીધા હતા. કેજરીવાલ સરકારે જૂન ૨૦૧૫માં કાયદો લાવીને સંસદીય સચિવ પોસ્ટ તેમને સોંપી દેવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસે પણ એએપી પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અજય માંકડે કહ્યું છે કે, તેઓ કેજરીવાલ સરકારના રાજીનામાની માંગ કરશે. ભ્રષ્ટાચારના કારણે એએપી સરકારના અડધા પ્રધાનોને દૂર કરવામાં આવી ચુક્યા છે.

(7:24 pm IST)