Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

'પદ્માવત'નો વિરોધ કરનારને સુપ્રીમનો વધુ એક ઝાટકો

કોર્ટે પદ્માવત વિરૂધ્ધ દાખલ કરેલી અરજી સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો : સંવિધાનિક કોર્ટ રૂપે કાર્ય કરી રહ્યા છીએઃ સુરક્ષા આપવાની જવાબદારી રાજ્ય સરકારની કોર્ટની નહિઃ ચીફ જસ્ટિસ

નવી દિલ્હી તા. ૧૯ : સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ની રીલીઝ પર પ્રતિબંધ લગાવાની વધુ એક પ્રયત્ન નિષ્ફળ ગયો છે. સુપ્રીમ કોર્ટે 'પદ્માવત' વિરૂધ્ધ દાખલ કરેલી એક અરજી પણ સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. મનમોહનલાલ શર્મા નામના એડવોકેટ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં સેન્સર બોર્ડ પર અયોગ્ય રીતે 'પદ્માવત'ને સર્ટીફિકેટ જાહેર કરવાનો આરોપ લગાવ્યો હતો.

બીજી બાજુ ચાર રાજ્યોમાં 'પદ્માવત' પર લાગેલા પ્રતિબંધને હટાવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ તેનો વિરોધ ચાલુ છે. કરણી સેનાએ ફિલ્મને રિલીઝ ન થવા દેવા અને મહિલાઓના જૌહરની ધમકી આપી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચ એ કહ્યું કે સુપ્રીમ કોર્ટ એક સંવૈધાનિક કોર્ટ છે. બેન્ચ એ કહ્યું કે કોર્ટ એ ગઇકાલે પોતાના એક વચગાળાના આદેશમાં કહ્યું હતું કે રાજય પદ્માવતની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મૂકી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ગુરૂવારના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પદ્મવાતની રિલીઝનો રસ્તો ચોખ્ખો થઇ ગયો છે. ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના રોજ રીલીઝ થવાની છે. સુપ્રીમ કોર્ટ એ ભાજપ શાસિત રાજયોમાં પણ પદ્માવતની રીલીઝ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે.

જો કે પદ્માવતનો વિરોધ કરી રહેલ રાજપૂત કરણી સેનાના વલણમાં કોઇ ફેરફાર આવ્યો નથી. કરણી સેના એ કહ્યું છે કે આ આદેશની વિરૂદ્ઘ સુપ્રીમ કોર્ટની ડબલ બેન્ચમાં અરજી નોંધાવીને ફિલ્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની કરશે. એક વીડિયો સંદેશમાં સંગઠનના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી એ કહ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે લોકો રાષ્ટ્રપતિને મળવાની કોશિષ પણ કરશે. તેમણે કહ્યું કે તેઓ આ ફિલ્મનું પ્રદર્શન થવા દેશે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુરક્ષા આપવાની જવાબદારી રાજય સરકારની છે. આ પહેલા વિરોધની અપીલ ફાઈલ કરનાર વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે પદ્માવત ફિલ્મ રિલીઝ થાય અને ત્યારબાદ દેશમાં જો તોફાન અને વ્યવસ્થા ખોરવાય તો તે માટે ફિલમ જવાબદાર રહેશે.ઙ્ગ

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે, 'અમે એક સંવિધાનિક કોર્ટનાં રૂપમાં કામ કરી રહ્યાં છે અને સુરક્ષા આપવાની જવાબદારી રાજય સરકારની છે કોર્ટની નહીં.' તેમણે કહ્યું કે આ મામલામાં તેઓ વિસ્તૃત આદેશ ગુરૂવારનાં રોજ આપી ચૂકયા છે. તેમજ તેમણે એમ પણ કહ્યું કે સેંસર બોર્ડ એક વાર મંજૂરી આપી ચૂકયું છે તો હવે તેને અટકાવી ના શકાય.ઙ્ગ

કરણી સેનાના અધ્યક્ષ એ કહ્યું કે તેમણે આ સંબંધમાં વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને ટૂંક સમયમાં જ રાષ્ટ્રપતિને પણ મળવાની કોશિષ કરશે. તેમણે જાહેરાત કરતાં કહ્યું કે ૨૪ જાન્યુઆરીના રોજ ચિત્તોડગઢમાં હજારો મહિલાઓ જૌહર કરશે. તેમણે કહ્યું કે જયાં આમ આદમીને આગળની તારીખ જાણવા માટે મહિનાઓના ચક્કર લગાવા વડે છે, ત્યાં સંજય લીલા ભણસાલીની અરજી પર તરત સુનવણી થવી 'સુપ્રીમ કોર્ટના કામકાજ પર પ્રશ્ન ઉઠે છે.'

(4:01 pm IST)