Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

બજેટને ઐતિહાસિક બનાવવા પર ધ્યાન રહેશે : જવાન, યુવાનો, ખેડુતો અને કર્મચારીઓ પર ધ્યાન રહેશે

નવી દિલ્હી,તા. ૧૯ : કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટમાં ક્યા ક્યા પગલા લેવામાં આવનાર છે તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. બજેટમાં રોજગારીની વધુ તક ઉભી કરવાના મામલે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બજેટ ઐતિહાસિક સાબિત થાય તેવી શક્યતા છે. બજેટમાં જવાનો, યુવાનો, ખેડુતો અને કર્મચારીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી સરકારે બજેટને લોકલક્ષી બનાવવા માટે તૈયારી કરી છે.નિષ્ણાંતો કહી રહ્યા છે કે નોટબંધી બાદ સામાન્ય લોકોની તકલીફને ઓછી કરવા અને વધારે રાહત આપવા માટે બજેટમાં ઇન્ડસ્ટ્રીઝ અને ખેડુતો પર ખાસ  ધ્યાન આપવામાં આવનાર છે. તેમની અપેક્ષાને પૂર્ણ કરવા માટે જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધીઓ  પોત પોતાની રજૂઆત કરી ચુક્યા છે. અગાઉ ક્યારેય નહી લેવામાં આવેલા પગલા હવે લેવાઇ રહ્યા છે. ગરીબ વર્ગને વધારે પ્રાથમિકતા બજેટમાં આપવામાં આવનાર છે. એક વર્ષમાં જન ધન યોજના હેઠળ રેકોર્ડ ૧૭ કરોડ બેંક ખાતાઓ ખોલી દેવામાં આવ્યા છે. ૧૨ કરોડ લોકોને ૧૨ રૂપિયાની ચુકવણી કરીને અકસ્માત માટે વીમા હેઠળ જોડી દેવામાં આવ્યા છે. ટેક્સ ટાઇલ, એન્જિનિયરિગ, મેન્યુફેકચરિંગ, પ્રોસેસિંગ, પંપ મોટર્સ સહિતના ક્ષેત્રો દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી ચુકી છે. સરકાર બજેટમાં મુખ્યરીતે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરનાર છે. એલપીજી સબસિડી છોડી દેવા પર પણ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે. દેશમાં સામાન્ય લોકો બજેટને લઇને ઉત્સુકત છે. સાથે સાથે સરકાર સામે કેટલીક તકલીફ પણ છે. મોદી સરકાર તેની વર્તમાન અવધિમાં અંતિમ ફુલ બજેટ રજૂ કરવા જઇ રહી છે. આવી સ્થિતીમાં બજેટમાં ખાસ ધ્યાન રોજગારી પર આપવામાં આવનાર છે. હાલમાં ગુજરાતમાં ઓછા માર્જિન સાથે જીત થયા બાદ મોદી સરકાર રોજગારીને લઇને સાવધાન છે.

(12:33 pm IST)