Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કુલભૂષણના અપહરણ માટે પાકિસ્તાને મુલ્લા ઉમરને આપ્યા હતા ૬ કરોડ રૂપિયાઃ બલુચ નેતા

કુલભૂષણ મામલે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ

ઇસ્લામાબાદ તા. ૧૯ : પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લઈને એક એવો ખુલાસો થયો છે, જે પાકિસ્તાની બેવડી ચાલનો પર્દાફાશ કરે છે. બલૂચિસ્તાનના સામાજિક કાર્યકર્તા મામા કાદિર બલોચનું કહેવું છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ ઈરાનથી જાધવનું અપહરણ કરાવ્યું હતું. તેના માટે જૈશ-ઉલ-અદલના આતંકી મુલ્લા ઉમરને કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા.

 

એક મીડિયા સાથેની વાતચીતમાં બલોચે પાકિસ્તાનના આ જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની આ વાતમા કોઈ દમ નથી કે, તેણે જાધવને બલૂચિસ્તાનથી ધરપકડ કરી હતી. કાદિર બલોચ વોઈસ ઓફ મિસિંગ બલોચ નામની સંસ્થાના વાઈસ પ્રેસિડન્ટ છે. તેમનું કહેવુ છે કે, સમગ્ર બલૂચિસ્તાનમાં તેમની સંસ્થાના લોકો કામ કરે છે, તેઓ જાણે છે કે, ઈરાનના ચાબહારથી જાધવનું અપહરણ કરાયું હતું.

તેમણે જણાવ્યું કે, આઈએસઆઈના આતંકી મુલ્લા ઉમરને આ કામ માટે ઘણા બધા રૂપિયા આપવામાં આવ્યા હતા. જાધવના હાથપગ બાંધીને ઈરાન-બલૂચિસ્તાન બોર્ડર પર લાગવવામાં આવ્યો હતો. જયાંથી આઈએસઆઈએ તેને પોતાના કબજામાં લઈ લીધું હતું. બલોચે કહ્યું કે, જાધવ તો કયારેય પણ પાકિસ્તાન આવ્યા જ ન હતા.

બલોચ બોલ્યા કે, આઈએસઆઈએ આ રીતે લોકોને કિડનેપ કરવાનો હથકંડો અપનાવ્યો છે. તેમણે અમારા દીકરાઓને પણ આ જ રીતે કિડનેપ કર્યા હતા. અમારી પાસે આવા અનેક સાક્ષી છે, જેનાથી અમે સાબિત કરી શકીએ છીએ કે, પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈના લોકોના અપહરણ માટે આતંકી સંગઠનોનો ઉપયોગ કરે છે. મારા દીકરાને આઈએસઆઈએ ૨૦૦૯માં કિડનેપ કર્યો હતો. ત્રણ વર્ષ બાદ અમને તેની ડેડબોડી કરી હતી.

ઉલ્લેખનીય છએ કે, ૨૫ ડિસેમ્બરના રોજ કુલભૂષણની માતા અને પત્નીએ ઈસ્લામાબાદની મુલાકાત કરી હતી. પાકિસ્તાન વિદેશ મંત્રાલાયમાં થયેલી આ વાતચીતમાં એક કાચની દિવાલની આરપાર મા-દીકરાની મુલાકાત થઈ હતી.

આ મુલાકાતમાં પાકિસ્તાન તરફથી કુલભૂષણની માતા અને પત્નીની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. મીટિંગ પહેલા તેમના કપડા બદલાવી દેવામાં આવ્યા હતા. મંગળસૂત્ર, બંગડીઓ ઉતારી લેવામાં આવી હતી. એટલું જ નહિ બંનેના ચપ્પલ પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે, તેમના ચપ્પલમાં કોઈ ચિપ લાગેલી છે, જેની તપાસ ચાલી રહી છે.

(11:45 am IST)