Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

માત્ર ૧૦૦૦ રૂપિયાનો ખર્ચ કરીને ઉગાડયા ૪૦૦ કિલો ટામેટા

ખેતીમાં ક્રાંતિ લાવવા ધરતીપુત્રે કર્યો કમાલઃ ત્રણવાર રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિતઃ ગિનીઝ બુકમાં નોંધાયુ છે નામ

નવી દિલ્હી તા. ૧૯ : નોએડાના ગાજીપુર જિલ્લાના મિર્જાપુર ગામના નિવાસી પાર્થ ખેતીમાં ક્રાંતિ લાવવા માટે કાર્ય કરી રહ્યો છે. પાર્થે હાઈડ્રોપોનિક ( માટી વિના ખેતી)ની ટેકનીક વિકસીત કરીને ટમેટાંની ખેતી કરી બતાવી. હાલના સમયમાં ગાજીપુર જિલ્લાના લગભગ બધા જ ઘરોમાં તેના મોડલથી ખેતી કરવામાં આવી રહી છે.

પાર્થને વીર બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન આ ટેકનીક વિશે જણાવા મળ્યું. તેણે જણાવ્યું કે યુનિવર્સિટીના એગ્રીકલ્ચર વિભાગના પ્રોફેસર ડો. ડીઆર સિંહ તથા ડો. પીયૂષ કાંત સિંહે ટેકનીક વિશે જાણકારી આપતા કહ્યું હતું કે જોધપુરમાં સેન્ટ્રલ એરિડ જોન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં આ ટેકનીક આવી હતી. ઈન્સ્ટીટ્યૂટમાં આ યોજના સફળ થઈ શકી નહોતી. પરંતું પાર્થે આ ટેકનીકનો સફળતા પૂર્વક ઉપયોગ કરી મોટી ઉપલબ્ધિ હાંસેલ કરી છે.

પાર્થને અત્યાર સુધીમાં ત્રણ વાર રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂકયો છે. પહેલીવાર ૨૦૦૭માં તે સમયના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેને બેસ્ટ એનસીસી કેડેડ ઓફ ઈન્ડિયા એવોર્ડથી સન્માનિત કર્યા હતો. બીજી વાર પ્રતિભા પાટિલે સ્કાઉટિંગ માટે તેને ૨૦૦૯માં સન્માનિત કર્યો હતો. હાઈડ્રોપોનિક ( માટી વિનાની ખેતી) ટેકનીક વિકસિત કરવા માટે ૨૦૧૫માં પ્રણવ મુખર્જીએ પાર્થને પ્રેસિડેન્ટ રોવર એવોર્ડથી સન્માનિત કર્યો હતો.

ગાજીપુરથી દિલ્હી સુધી રોકાયા વિના સતત ૧૬૭ કલાક સુધી ચાલીને પાર્થે પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાવી દીધું છે. પાર્થની આ ઉપલબ્ધિ પર તે સમયના જનરલ દલવીર સિંહ સુહાગે તેને સન્માનિત કર્યો હતો. પાર્થની ટીમમાં કુલ ૧૦ યુવાનો શામેલ હતા, જેમણે સતત છ દિવસો સુધી આ યાત્રા કરી હતી.

૨૦-૨૦ મીટરની ૬ પાઈપને એક પીલરમાં રાખી દેવામાં આવે છે. પિલરના એક તરફ દસ ફૂટનો ખાડો ખોદીને તેમાં ૧૦૦ લીટરની ટેન્ક નાખવામાં આવે છે. ટેન્કમાં ન્યૂટ્રિયેન્ટના ૧૬ તત્વોથી યુકત પાણી મિકસ કરવામાં આવે છે. છોડને પાઈપમાં લગાવી દેવામાં આવે છે. અને ત્યાં સુધી પંપની મદદથી પાણી પહોંચાડવામાં આવે છે. પાઈપમાં એક કીપ લગાવી દેવામાં આવે છે, જેના દ્વારા પાણીને પાછું ટેન્ક સુધી લાવવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા આ પ્રકારે ચાલે છે. ખાસ વાત એ છે કે આ ટેકનીક દ્વારા ટમેટાંનો છોડ દૂધીની વેલ કરતા પણ વધીને લગભગ ૬૦ મીટર સુધીનો થઈ જાય છે. એક હજાર રૂપિયાના ખર્ચમાં ઓછામાં ઓછાં ૪૦૦ કિલો ટામેટાં મેળવી શકાય છે.

પાર્થ અત્યાર સુધી હાઈડ્રોપોનિક ટેકનીક પર ૧૮ બુકસ લખી ચૂકયો છે. ખાસ વાત એ છે કે આ બધી જ બુકસનું ટાઈટલ વેપન અગેન્સ્ટ હંગર છે. ટાઈટલનો ઉલ્લેખ કરતા પાર્થે જણાવ્યું કે આજે પણ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબને ભૂખ્યા સૂવું પડે છે. આ ટેકનીકના ઉપયોગથી ખેતી કરીને દરેક ખેડૂતોની આર્થિક સમસ્યા દૂર થઈ જશે અને અન્નદાતાને ભૂખ્યા નહીં સૂવું પડે.(૨૧.૮)

(10:03 am IST)