Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

બિલ ગેટ્સની પુત્રી જેનિફર ગેટ્સે મિસરના ઘોડેસવાર નયેલ નાસર સાથે લગ્ન કર્યા

લગ્ન સમારંભ ન્યૂયોર્કના નોર્થ સ્લેમ સ્થિત 142 એકરની પ્રોપર્ટીના ગાર્ડનમાં યોજાયો : નાસર અને જેનિફર 2017થી એકબીજાને ડેટ કરતા હતા

નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સની પુત્રી જેનિફર ગેટ્સે મિસરના ૩૦ વર્ષીય ઘોડેસવાર નયેલ નાસર સાથે લગ્ન કર્યા છે. બંનેએ અગાઉ એક પ્રાઇવેટ સેરિમનીમાં લગ્ન કર્યા પછી શનિવારે તેમના લગ્નના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જેનિફરે ૨૦૨૦માં નાસર સાથે સગાઈની જાહેરાત કરી હતી. જેનિફર અને નાસરે શુક્રવારે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન એકદમ ખાનગી રાખવામાં આવ્યા હતા. આ લગ્ન સમારંભ ન્યૂયોર્કના નોર્થ સ્લેમ સ્થિત 142 એકરની પ્રોપર્ટીના ગાર્ડનમાં રાખવામાં આવ્યો હતો. તેમા લગભગ 300 લોકો સામેલ થયા હતા. નાસર અને જેનિફર 2017થી એકબીજાને ડેટ કરતા હતા.

બંનેએ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી એકસાથે ગ્રેજ્યુએશન કર્યુ હતું. વર્ષ 2020માં એક ટ્રિપ દરમિયાન બંનેએ સગાઈની જાહેરાત કરી હતી. જેનિફર ખ્રિસ્તી અને નાસર મુસ્લિમ હોવા છતાં બંનેના પ્રેમ આડે ધર્મ આવ્યો ન હતો.

શનિવારે થયેલા રિસેપ્શનમાં બિલ ગેટ્સ પોતાની પુત્રી જેનિફર સાથે એલ્ટન જોનના ગીત કેન યુ ફીલ ધ લવ ટુ નાઇટ પર ડાન્સ કર્યો હતો. લગ્નમાં જેનિફરે એક કસ્ટમ વેરા વેંગ ગાઉન પહેર્યુ હતું. જેનિફરને નવ બ્રાઇડમેડ્સે મળીને તૈયાર કરી હતી.

બિલ ગેટ્સ અને મેલિન્ડાએ પોતાની ૨૫ વર્ષની પુત્રી જેનિફરને એકસાથે સેરેમની પોઇન્ટ સુધી પહોંચાડી હતી. લગભગ ચાર વાગે રિસેપ્શન કાર્યક્રમ શરૂ થયો. આ કાર્યક્રમમાં બિલ ગેટ્સે ડાર્ક સુટ પહેર્યો હતો અને મેલિન્ડા પર્પલ ગાઉનમાં નજરે દેખાઈ હતી. સાંજે પાંચ વાગે બંનેએ લગ્નની જાહેરાત કરી અને પાર્ટીમાં આવેલા મહેમાનોએ તેમને અભિનંદન આપવાનું શરુ કરી દીધું. રિસેપ્શન પછી બંનેનો ગાર્ડનની સુંદર-સુંદર જગ્યાએ ફોટોશૂટ થયો.

રિસેપ્શનમાં ફક્ત નજીકના મિત્રો અને સગાસંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમા કેટલાક સેલિબ્રિટીઝ અને રાજનેતા સામેલ હતા. અબજપતિ માઇકલ બ્લૂમબર્ગની પુત્રી જોર્જિના બ્લૂમબર્ગ પણ આ રિસેપ્શનમાં નજરે દેખાઈ હતી. શુક્રવારના રાતના ફંકશનને એકદમ ખાનગી રાખવામાં આવ્યું હતું. તેનું ડિનર પ્રખ્યાત ફ્રેન્ચ શેફ જીન ગોર્જિસના હાથથી બનેલા લોબ્સ્ટર ડિશ અને પાસ્તા જેવી ચીજ પીરસવામાં આવી હતી. આ બે દિવસની ઇવેન્ટની જવાબદારી જાણીતા વેડિંગ પ્લાનર માર્સી બ્લમને આપવામાં આવી હતી.

તેનો અંદાજિત ખર્ચ વીસ લાખ અમેરિકન ડોલર એટલે કે ૧૫ કરોડ રુપિયા હોવાનો મનાય છે. ઉલ્લેખનીય છે કે બિલ ગેટ્સ અને મેલિન્ડા આ વર્ષે ઓગસ્ટમાં જ જુદા પડયા હતા. રિસેપ્શનમાં બંને એકસાથે રહીને મહેમાનોને મળ્યા હતા. ફંકશનમાં સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત હતી. ડાર્ક સૂટ પહેરેલા સુરક્ષા કર્મચારી જર્મન શેફર્ડની સાથે સ્થળનું બારીકીથી નિરીક્ષણ કરી રહ્યા હતા. તેના રિસેપ્શનમાં એગ પ્લાન્ટમાંથી તૈયાર થયેલા ફૂડ, ચિકન કંપાના અને સ્કેલોપ્સ જેવી ચીજો હતી.

(12:31 am IST)