Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અનોખી નોકરી : ફક્ત પથારીમાં પડયા રહેવાનું, ટીવી જોવાનું અને સૂવાનું: પગાર વર્ષે 25 લાખ

નોકરી કરનારી વ્યક્તિએ દિવસના છથી સાત કલાક પથારી પર પસાર કરવા પડશે.

લંડન: બ્રિટનમાં એક કંપની એવી નોકરી ઓફર કરી રહી છે જે આરામપ્રિય લોકોને ઘણી પસંદ પડશે. આ કંપની નોકરી જોઇન કરનારાઓને પથારીમાં પડયા રહેવાના રૂપિયા આપશે. આ નોકરીમાં કર્મચારીએ ફક્ત પથારીમાં પડયા રહેવાનું છે, ટીવી જોવાનું છે અને સૂવાનું છે.

કોઈને પણ થાય કે આવી કઈ નોકરી હશે જેમા નોકરી જ આરામ કરવાની છે. યુકેમાં એક સ્થાનિક લક્ઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સ આપી રહી છે. આ નોકરી કરનારી વ્યક્તિએ દિવસના છથી સાત કલાક પથારી પર પસાર કરવા પડશે. વાસ્ટવમાં ક્રાફ્ટેડ બેડ માટે મેટ્રેસ ટેસ્ટરની નિમણૂક કરવામાં આવી રહી છે. તેનું કામ પથારીમાં સૂવાનુ અને તેના અંગે રિવ્યુ લખવાનું છે.

ક્રાફ્ટેડ બેડ જોઇન કરનારાઓને કંપની વર્ષે 24 લાખ 79 હજાર રૂપિયાનું વેતન આપશે. તેણે દર સપ્તાહે મેટ્રેસનો ટેસ્ટ કરવો પડશે અને કંપનીને બતાવવું પડશે આ ગાદલું ઉપયોગમાં કેવું છે. તેમા સુધારાને કેટલો અવકાશ છે, તેની ખામીઓ કેટલી છે, તેનો રીવ્યુ પણ કરવો પડશે. નોકરી કરનારા સપ્તાહમાં ૩૭.૫ કલાક એટલે કે રોજના લગભગ છ કલાક ટીવી જોતા ગુજારવાના છે.

આ નોકરી માટે કર્મચારીએ ઓફિસ જવાની જરુર નથી. ટેસ્ટિંગ અને રિવ્યુ માટે ગાદીઓ તેના ઘરે પહોંચાડી દેવામાં આવશે. નોકરી માટે બ્રિટિશ નાગરિક હોવું જરુરી છે.

(12:23 am IST)