Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કેરળના બે જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 35 થયો : 10 ડેમોમાં રેડ એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગ 20થી 24 ઓક્ટોબર દરમિયાન હવામાન વધુ ખરાબ થવાની આગાહી કરી

કેરળના બે જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં સોમવારે મૃત્યુઆંક વધીને ૩૫ થયો છે. દરમિયાન હવામાન વિભાગે બુધવારથી વધુ વરસાદની આગાહી કરી છે. વિભાગનું કહેવું છે કે સોમવારે કોટ્ટાયમ જિલ્લાના કુટ્ટિકલ અને પડોશી ઇડુક્કી જિલ્લાના કોકરાખાતે કાટમાળ નીચેથી વધુ મૃતદેહો મળી આવ્યા હતા. રાજ્ય સરકારના આંકડા મુજબ કુટ્ટીકલ પંચાયતના પ્લાપલ્લી ખાતે ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાંથી 13 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે કોકરાપાસેથી 9 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા.

કક્કી, શોલાયર, પમ્બા, માતુપટ્ટી, મોઝિયાર, કુંડલા, પિચી સહિતના 10 ડેમ માટે 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. કેરળના મહેસૂલ પ્રધાન કે રાજને સોમવારે જણાવ્યું હતું કે કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યું હતું અને અહીં કાક્કી ડેમના બે દરવાજા પણ ખોલવામાં આવ્યા બાદ રાજ્યના ૧૦ ડેમ માટે 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. સબરીમાલા ભગવાન અયપ્પા મંદિરની યાત્રા પણ હાલ સુધી બંધ કરી દેવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ 20થી 24 ઓક્ટોબર દરમિયાન હવામાન વધુ ખરાબ થવાની આગાહી કરી છે, જેમાં ભારે વરસાદ પડી શકે છે. આ કારણોસર આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે સબરીમાલાના ભગવાન અયપ્પા મંદિરમાં થુલા મસોમ પૂજા માટે યાત્રાની મંજૂરી આપવી શક્ય નહીં બને. આ માટેનું મંદિર ૧૬ ઓક્ટોબરથી ખોલવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે હાલમાં યાત્રા અટકાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી નહીં તરેજો જો 20 ઓક્ટોબરથી ભારે વરસાદને કારણે નજીકની પમ્પા નદીમાં પાણીનું સ્તર વધુ વધે તો દરેકને અહીંથી સુરક્ષિત બહાર કાઢવા મુશ્કેલ બનશે

(11:32 pm IST)