Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાનું વેચાણ ભારતના ખાનગીકરણના પ્રયાસોમાં નોંધપાત્ર સિદ્ધિ : IMF

નવી દિલ્હી :  ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) કહ્યું કે રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાનું વેચાણ ભારતના ખાનગીકરણના પ્રયાસોમાં નોંધપાત્ર સિદ્ધિ રહેશે. ટાટા ગ્રુપ ખોટ કરતી એર ઈન્ડિયા બોલીમાં વિજેતા તરીકે ઉભરી આવ્યું છે. ગ્રુપને લેટર ઓફ ઈન્ટેટ પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો.

આઈએમએફ-એસટીઆઈ (IMF-STI) પ્રાદેશિક તાલીમ સંસ્થા અને આઈએમએફ ઈન્ડિયાના પૂર્વ મિશન ચીફ આલ્ફ્રેડ શિપકેએ જણાવ્યું હતું કે તેઓ એર ઈન્ડિયાના સેલના તાજેતરના કરારનું સ્વાગત કરે છે, જે એક નોંધપાત્ર ઉપલબ્ધી છે. આ મહિનાની શરૂઆતમાં સરકારે ટાટા ગ્રુપના એકમ ટેલેસ  પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઓફરને મંજૂરી આપી હતી. આ અંતર્ગત કંપની 2,700 કરોડની રોકડ ચૂકવશે અને એર ઈન્ડિયાનું 15,300 કરોડનું દેવું ભરશે.

ટાટાની લેટર ઓફ ઈન્ટેન્ટની મંજુરી પછી વેચાણ માટે શેર ખરીદ કરાર (SPA) હસ્તાક્ષર કરવામાં આવશે. એર ઈન્ડિયાની સાથે ટાટા ગ્રુપ પણ ઓછા ખર્ચ વાળી એરલાઈન્સ ઈન્ડિયા એક્સપ્રેસ અને ઈક્વલ જોઈન્ટ વેન્ચર AISATSમાં એર ઈન્ડિયાનો 50 ટકા હિસ્સો હસ્તગત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા સન્સે એર ઈન્ડિયા માટે 18 હજાર કરોડની બોલી લગાવી હતી. જ્યારે બીજા બિડર સ્પાઈસ જેટના અજય સિંહે 15 હજાર કરોડની બોલી લગાવી હતી. આ રીતે ટાટા સન્સ વધુ બોલી લગાવીને કંપનીને જીતી લીધી. આ ટ્રન્ઝેક્શન ડિસેમ્બર 2021ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. એટલે કે એવું કહી શકાય કે આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં ટાટા કંપની સંપૂર્ણપણે એર ઈન્ડિયાની માલિક બની જશે.

એર ઈન્ડિયાને ટાટા સન્સ પાસે પાછા આવવામાં કુલ 68 વર્ષ લાગ્યા. તે વર્ષ 1953 હતું, જ્યારે ભારત સરકારે ટાટા સન્સ પાસેથી એર ઈન્ડિયાની માલિકી ખરીદી હતી. આવી સ્થિતિમાં એર ઈન્ડિયાને ટાટા ગ્રુપમાં પાછા આવવામાં કુલ 68 વર્ષ લાગ્યા છે. એર ઈન્ડિયા પર કુલ 61,562 કરોડ રૂપિયાનું દેવું છે. પત્રકાર પરિષદ દરમિયાન દીપમ સચિવ તુહીન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે 31 ઓગસ્ટ 2021 સુધીમાં એર ઈન્ડિયા પર કુલ દેવું 61,562 કરોડ રૂપિયા છે.

(9:59 pm IST)