Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સામાન્ય માણસ મોંઘવારીના બોજ હેઠળ કચડાઈ ગયો છે

વધતી મોંઘવારીને લઈને પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર પ્રહાર : સ્લીપર પહેરનારા વિમાનમાં મુસાફરી કરી શકશે એમ કહ્યું હતું પણ રસ્તા પર મુસાફરી મુશ્કેલ : પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી, તા.૧૮ : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં વધતી જતી મોંઘવારીને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ છે કે, સરકારે તો વાયદો કર્યો હતો કે, સ્લીપર પહેરનારા લોકો પણ વિમાનમાં સફર કરી શકશે પણ ભાજપ સરકારે તો પેટ્રોલ અને ડિઝલના ભાવ એટલા વધારી દીધા છે કે, સ્લીપર પહેરનારા માટે વિમાનની મુસાફરી તો બાજુ પર રહી રસ્તા પર મુસાફરી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.

આ પહેલા પણ પ્રિયંકા ગાંધીએ પેટ્રોલ અને ડિઝલની વધતી જતી કિંમતને લઈને સરકારને કઠેડામાં ઉભી કરી હતી. પ્રિયંકાએ કહ્યુ હતુ કે, ભાજપના શાસનમાં ખેડૂતોથી માંડીને સામાન્ય માણસ મોંઘવારીના બોજ હેઠળ કચડાઈ ગયો છે અને માત્ર મોદીના મિત્રો જ પૈસાદાર બની રહ્યા છે. પ્રિયંકાની સાથે સાથે રાહુલ ગાંધીએ પણ ગઈકાલે મોંઘવારી મુદ્દે કહ્યુ હતુ કે, આ સરકારના શાસનમાં બીજા બધા માટે વિનાશ અને વધી રહેલી કિંમતોનો વિકાસ થઈ રહ્યો છે.

(9:14 pm IST)