Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ચીનમાં ઉઈગર મુસલમાનો સાથે અમાનવીય વર્તન થાય છે

ચીનના પૂર્વ પોલીસ અધિકારીનો ચોંકાવનારો ખુલાસો : ઉઈગરને ખુરશી સાથે બાંધીને રાખવામાં આવે છે, કોરડા વડે ફટકારાય છે, કરંટના ઝાટકા આપવામાં આવે છે

બેઈજિંગ, તા.૧૮ : ચીનના એક પૂર્વ પોલીસ અધિકારીએ પોતે જ ચીનમાં ઉઈગર મુસલમાનો સાથે કયા પ્રકારનો ક્રૂર વ્યવહાર થાય છે તેનો ખુલાસો કર્યો છે. પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે શિન્જિયાંગ પ્રાંતના ડિટેન્શન સેન્ટર્સમાં ઉઈગર મુસલમાનોને અનેક પ્રકારની અમાનવીય યાતનાઓ આપવામાં આવે છે. તેમને ખુરશી સાથે બાંધીને રાખવામાં આવે છે, કોરડા વડે ફટકારવામાં આવે છે, કરંટના ઝાટકા આપવામાં આવે છે અને ઝોકું ખાય તો મારપીટ કરવામાં આવે છે. ઘણી વખત આ પ્રકારના અત્યાચારના કારણે લોકોના મૃત્યુ પણ થઈ જાય છે.

ઈન્ટરવ્યુ દરમિયાન જિયાંગે ટોર્ચરની પદ્ધતિઓનું પ્રદર્શન કરીને પણ બતાવ્યું હતું. તેના કહેવા પ્રમાણે ડિટેન્શન સેન્ટર્સમાં બંધ લોકોને ઉંઘ પણ નથી લેવા દેવાતી. જો ઝોકું આવી જાય તો તેમને એટલો માર મારવામાં આવે છે કે, તેઓ બેહોશ થઈ જાય છે અને ભાનમાં આવે એટલે ફરી એવો વર્તાવ કરવામાં આવે છે. પીડિતોમાં ૧૪ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો પણ સામેલ છે.

જિયાંગના કહેવા પ્રમાણે ટોર્ચરમાં ઉઈગરોને કરંટ આપીને પીડા આપવામાં આવે છે. તેમના પ્રાઈવેટ પાર્ટમાં પણ કરંટ લગાવીને ક્રૂરતા આચરવામાં આવે છે. મહિલાઓના હાથોમાં હાથકડી બાંધીને તેમના હાથને વારંવાર ટેબલ સાથે જોરજોરથી પછાડવામાં આવે છે.

આ કારણે તેમના હાથોમાંથી લોહી વહેવા લાગે છે.

જે પૂર્વ પોલીસ અધિકારીએ આ ખુલાસો કર્યો છે તેમની ઉંમર ૩૯ વર્ષ છે અને તેઓ ચીનના પોલીસ કર્મચારીઓના પરિવારના છે. તેમણે ઈન્ટરવ્યુ લેનારા શખ્સને કેટલાક પુરાવાઓ પણ સોંપ્યા હતા જેમાં તસવીરો, પોલીસ ટોર્ચર સાથે સંકળાયેલા દસ્તાવેજો તથા અનેક વર્ષો પહેલા રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોલીસ અધિકારીઓને આપેલો એક આદેશ પણ સામેલ છે. જિયાંગના કહેવા પ્રમાણે ચીનમાં નાની નાની ફરિયાદો પર પણ ઉઈગર લોકોની ધરપકડ થઈ જાય છે. તેમને અનેક વર્ષો સુધી આ રીતે જેલમાં જ રાખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ચીની કોમ્યુનિસ્ટ સરકાર પર ઉઈગરો સાથે અમાનવીય વ્યવહાર કરવાનો આરોપ લાગતો રહ્યો છે.

(7:37 pm IST)