Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

મુખ્ય કોચ અને સહાયક સ્ટાફ માટે બીસીસીઆઇએ અરજી પ્રક્રિયા શરૂ કરીઃ રેસમાં રાહુલ દ્રવીડ મોખરે

હેડ કોચ માટે ૨૬મી સુધી જયારે અન્ય પોસ્ટ માટે ૩ નવેમ્બર સુધી અરજી કરી શકાશે

 નવી દિલ્હીઃ બીસીસીઆઇએ  ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય કોચ અને અન્ય સહાયક સ્ટાફ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. મુખ્ય કોચ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૬ ઓકટોબર રાખવામાં આવી છે.  તે જ સમયે, બાકીની પોસ્ટ્સ માટે, અરજીઓ ૩ નવેમ્બર સુધી આપી શકાય છે.  રાહુલ દ્રવિડનું નામ હાલમાં મુખ્ય કોચ બનવાની રેસમાં આગળ છે.

 બીસીસીઆઇએ મુખ્ય કોચ પદ માટે કેટલીક શરતો મૂકી છે.  જે મુજબ ઉમેદવારે પોતાની કારકિર્દીમાં ઓછામાં ઓછી ૩૦ ટેસ્ટ અને ૫૦ વનડે રમવી જોઈએ અને તેણે ઓછામાં ઓછા બે વર્ષ સુધી ટેસ્ટ રમતા દેશને કોચિંગ આપવું જોઈએ.  અથવા તો ઉમેદવારને ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે કોઈપણ આઈપીએલ, ફર્સ્ટ કલાસ અથવા નેશનલ એ ટીમના કોચિંગનો અનુભવ હોવો જોઈએ.  આ સિવાય ઉમેદવારની ઉંમર ૬૦ થી ઓછી હોવી જોઈએ અને તેની પાસે બીસીસીઆઈ લેવલ ૩ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.  આ તમામ શરતો પૂરી કરનાર ઉમેદવારના નામ પર જ વિચાર કરવામાં આવશે.  મુખ્ય કોચ માટે અરજીઓ ૨૬ ઓકટોબરે સાંજે ૫ વાગ્યા સુધી કરી શકાશે. 

(4:41 pm IST)