Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ચીનનો ગ્રોથ રેટ કડડભૂસ : આર્થિક વિકાસ દર ૭.૯%થી સરકીને ૪.૯%

વીજ સંકટ, સપ્લાય ચેઇનમાં નબળાઇ અને કોરોનાની નવી લહેરે સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીની અર્થવ્યવસ્થાને ભારે ફટકો માર્યો વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં ચીનની અર્થવ્યવસ્થામાં ૧૮.૩૦ ટકાનો વધારો થયો હતો

બીજીંગ તા. ૧૮ : ચાલબાઝ ચીન અવનવા હથકંડા અપનાવી પાડોશી દેશોને પરેશાન કરે છે અને કારોબારી કબ્જો જમાવી રાખવા પ્રયાસ કરે છે. હાલના સમયમાં ચીન તેના ઘરેલુ મોરચે પરાસ્ત થયું છે. ચીનનો વિકાસ ચિંતાજનક સ્તરે તૂટ્યો છે જેની અસર તેની અર્થવ્યવસ્થા ઉપર ગંભીર સ્તરે જોવા મળશે.

વીજ સંકટ, સપ્લાય ચેઇનમાં નબળાઇ અને કોરોનાની નવી લહેરે સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીની અર્થવ્યવસ્થાને ભારે ફટકો માર્યો છે. જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીનનો આર્થિક વિકાસ દર માત્ર ૪.૯ ટકા હતો. એપ્રિલ-જૂન કવાર્ટરમાં વિકાસ દર ૭.૯ ટકા હતો. સપ્ટેમ્બર કવાર્ટરમાં વૃદ્ઘિ દર સપ્ટેમ્બર ૨૦૨૦ પછી સૌથી નીચો રહ્યો છે.

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં ચીનની અર્થવ્યવસ્થામાં ૧૮.૩૦ ટકાનો વધારો થયો હતો. રોઇટર્સના એક સર્વેમાં અનુમાન કરવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીનનો વિકાસ દર ૫.૨ ટકા રહેશે. ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ચોક્કસપણે સુધારો છે પરંતુ પાવર કટોકટી સહિત અન્ય ઘણા પરિબળોને કારણે વૃદ્ઘિની ગતિ સતત નબળી પડી રહી છે.

કોરોના મહામારી વચ્ચે ચીનમાં પ્રોપર્ટી બબલની પણ ચર્ચા થઈ રહી છે. ચાઇના એવરગ્રાન્ડ ગ્રુપ પર ૩૦૦ અબજ ડોલરનું ભારે દેવું છે. આ કંપની નાદારીના આરે છે. જો આવું થશે તો તેની પ્રોપર્ટી માર્કેટ તેમજ બેંકિંગ સેકટર પર ખરાબ અસર પડશે. વૈશ્વિક અર્થતંત્ર પર ચીનમાં આ ઘટનાની અસર સ્પષ્ટ દેખાશે.

રોઇટર્સનો અંદાજ છે કે પીપલ્સ બેન્ક ઓફ ચાઇના ઓકટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં રિઝર્વ રીકયોરમેન્ટ રેશિયો (RRR) બદલશે નહીં. એક અંદાજ મુજબ ત્યાંની કેન્દ્રીય બેંક જાન્યુઆરી-માર્ચ ૨૦૨૨ કવાર્ટરમાં RRR માં ૫૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે.

અર્થતંત્રની બીજી બાજુની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન ૩.૧ ટકાના વાર્ષિક દરે વધ્યું હતું. તે અપેક્ષા કરતા નબળી હતી. ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન ૫.૩ ટકા હતું. ઓગસ્ટમાં છૂટક વેચાણ ૪.૪ ટકા વધીને માત્ર ૨.૫ ટકા થયું છે. ઓકટોબરના પહેલા પખવાડિયામાં દેશમાં વીજ વપરાશ ૩.૩૫ ટકા વધીને ૫૭.૨૨ અબજ યુનિટ થયો છે. આ માહિતી પાવર મંત્રાલયના ડેટામાં મળી છે. આ આંકડા દર્શાવે છે કે કોલસાની અછત વચ્ચે દેશમાં વીજળીની માંગ સુધરી રહી છે.ડેટા અનુસાર ગયા વર્ષે ૧ થી ૧૫ ઓકટોબર દરમિયાન વીજ વપરાશ ૫૫.૩૬ અબજ યુનિટ હતો. દેશના પાવર પ્લાન્ટમાં કોલસાની કટોકટી વચ્ચે ૧૫ ઓકટોબરના વ્યસ્ત કલાકોમાં વીજળીની અછત ઘટીને ૯૮૬ મેગાવોટ થઈ ગઈ હતી. ૭ ઓકટોબરે વીજળીની અછત ૧૧,૬૨૬ મેગાવોટ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૭ ઓકટોબરે ૧૧,૬૨૬ મેગાવોટનો ઘટાડો આ મહિનાના પ્રથમ પખવાડિયામાં સૌથી વધુ આંકડો છે.

(12:57 pm IST)