Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કાશ્‍મીર છોડી ઘર વાપસીની તૈયારીમાં શ્રમિકો

બે સાથીઓના મોતથી ફેલાયો ખોફ

જમ્‍મુ તા. ૧૮ : કાશ્‍મીરમાં અન્‍ય રાજ્‍યોમાંથી આવીને રહી રહેલા હજારો મજૂરોના રોજગાર પર સંકટના વાદળો ઘેરાવા લાગ્‍યા છે. થોડા સપ્‍તાહથી આવા લોકોની વીણીવીણીને કરાઇ રહેલ હત્‍યાઓ પછી તેમનામાં ભય ફેલાયેલો છે. કેટલાય મજૂરો કાશ્‍મીરથી ભાગવા મજબૂર થઇ રહ્યા છે. કાશ્‍મીરની આ પરિસ્‍થિતિએ સ્‍થાનિક લોકોની ચિંતા પણ વધારી દીધી છે. તેમને પણ ભય છે કે જો મોટા પાયે પલાયન થશે તો નુકસાન તેમને પણ ભોગવવું પડશે. નિષ્‍ણાંતોનું પણ કહેવું છે કે આ લોકો પલાયન ના કરે તેના માટે સરકારે સખત પગલાઓ લેવા ઉપરાંત ઇન્‍ટેલીજન્‍સને વધારવા જોઇએ જેથી આવી ઘટનાઓ ના બને.
કાશ્‍મીરમાં અત્‍યારે એક લાખથી વધારે શ્રમિકો એવા છે જે બીજા રાજ્‍યોમાંથી આવીને રહી રહ્યા છે. સુથાર, બાંધકામ, ખેતીથી માંડીને મજૂરી સુધીના કામ આ લોકો કરે છે. એક હજારથી વધારે લોકો તો ફકત શ્રીનગરમાં જ લારી ગલ્લા ચલાવે છે.
કાશ્‍મીરી લોકો કેટલાય કામો માટે આ લોકો પર નિર્ભર છે. થોડા દિવસોથી આંતકવાદીઓ આ લોકોને શોધી શોધીને નિશાન બનાવે છે. શનિવારે પણ એક યુપીના અને એક બિહારના વ્‍યકિતની હત્‍યા આતંકવાદીઓએ કરી. જેમાં એક પાણી પુરી વેચનારો અને એક સુથારી કામ કરનારો હતો. આ પહેલા પણ આતંકવાદીઓએ એક પાણીપુરીની લારીવાળાને ગોળી મારી હતી. ત્‍યાર પછી બે શિક્ષકોને નિશાન બનાવ્‍યા હતા. આ બધાને કારણે કાશ્‍મીરમાં રહેતા અન્‍ય રાજ્‍યના લોકોમાં ભય ફેલાવા લાગ્‍યો છે અને કેટલાક પરિવારોએ પલાયન પણ કર્યું છે. હવે ઘણાં લોકો કાશ્‍મીરને અલવિદા કરવાનો મૂડ બનાવી ચૂકયા છે અને અહીંથી પલાયન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

 

(11:04 am IST)