Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કોંગ્રેસ માટે કામ કરતી કંપની પર આવકવેરાના દરોડા

બિનહિસાબી સંપતિનો ખુલાસો

નવી દિલ્‍હી,તા. ૧૮ : આવકવેરા વિભાગે કોંગ્રેસ માટે કેટલાય રાજ્‍યોમાં ચૂંટણી મેનેજમેન્‍ટનું કામ સંભાળનારી કંપનીના કેટલાય સ્‍થળો પર દરોડાઓ પાડયા જેમાં મોટા પાયે ગરબડ સામે આવી છે. આવકવેરા વિભાગ અનુસાર, ડીજીટલ માર્કેટીંગ કરતી કંપની ડીઝાઇન બોક્ષ ક્રીએટીવ પ્રાઇવેટ લીમીટેડના ચંદીગઢ, મોહાલી, સુરત અનુ બેગ્‍લોર ખાતેના સાત સ્‍થળોની તલાશી લેવામાં આવી, આ ઉપરાંત એક હોટલના રૂમની પણ તલાશી લેવાઇ જ્‍યાં કંપનના એમડી ઉતર્યા હતા. વિભાગે ૧૨ ઓકટોબરે કેટલાય રાજ્‍યોમાં દરોડાઓ પાડયા હતા.
આવકવેરા વિભાગના સુત્રો અનુસાર, આ કંપની કોંગ્રેસ માટે ડીજીટલ પ્‍લેટફોર્મ પર ચૂંટણી પ્રચારનું કામ કરતી હતી. આ કંપની કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્‍યક્ષ ડી.કે. શિવકુમાર માટે કામ કરી રહી હતી. વિભાગનો દાવો છે કે કંપનીએ ટેક્ષ ચોરીના ઇરાદાથી આવક ઓછી અને ખર્ચાઓ જાણી જોઇએ વધારીને દેખાડયા છે. આ ઉપરાંત ઘણા બધા રોકડ વ્‍યવહારો પણ કરવામાં આવ્‍યા છે.
દરોડાઓમાં જાણવા મળ્‍યુ છે કે કંપનીના ડાયરેકટરોએ પોતાના અંગત ખર્ચાઓને પણ કંપનીના ખર્ચ તરીકે દર્શાવ્‍યા હતા દરોડામાં જોવા મળ્‍યુ  કે કંપનીના કર્મચારીઓ અને એન્‍ટ્રી ઓપરેટરના નામે લકઝરી ગાડીઓ ખરીદાઇ હતી જેનો ઉપયોગ ડાયરેકટરોના પરિવારના લોકો કરી રહ્યા હતા. એન્‍ટ્રી ઓપરેટરે હવાલા ઓપરેટરો દ્વારા કંપનીને રોકડ અને લખાણ વગરની રકમ ટ્રાન્‍સફર થયાની વાત સ્‍વીકારી છે.

 

(10:09 am IST)