Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

એનઆઇએની ચાર્જશીટમાં આઇએસના પ્લાનનો ઘટસ્ફોટ

આઇએસએ આતંકી કેમ્પો માટે ગુજરાત સહિતના રાજયોના જંગલો પસંદ કર્યા હતા

અફઘાનિસ્તાનમાં હુમલા માટે જવાબદાર આઇએસ-કે પ્લાનનો અમલ કરે તે પહેલા અનેક આતંકીઓની ધરપકડ

નવી દિલ્હી,તા.૧૮: અફઘાનિસ્તાનમાં સક્રિય ઇસ્લામિક સ્ટેટ-ખુરાસાન એટલે કે આઇએસ-કેના આતંકીઓની નજર હવે ભારત પર છે. ભારતમાં ગુજરાત સહિતના કેટલાક રાજયોમાં આ આતંકી સંગઠનો પોતાના ટ્રેનિંગ કેમ્પ બનાવવા માગતા હોવાનો ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. જેને પગલે એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

એનઆઇએ દ્વારા હાલમા થયેલી ધરપકડો બાદ આ ખુલાસો થયો છે. ગત મહિને બેંગાલુરૂમાંથી આઇએસના મામલામાં દાખલ એક ચાર્જશીટમાં એનઆઇએએ ભારતમાં પણ કેમ્પો આતંકીઓ શરૂ કરવા માગતા હોવાનો ખુલાસો કર્યો છે. જોકે એનઆઇએએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આઇએસનો આ પ્લાન માત્ર કાગળ પર જ સિમિત છે. તેનો અમલ થાય તે પહેલા જ અનેક આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

એનઆઇએના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આઇએસના આતંકીઓએ પોતાના કેમ્પ માટે ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, પશ્યિમ બંગાળ, મહારાષ્ટ્રના જંગલોને પસંદ કર્યા છે. જોકે તેનું કારણ પુરી રીતે સ્પષ્ટ નથી થઇ શકયું. અલ હિંદ નામથી ભારતમાં સક્રિય આઇએસના ધરપકડ કરાયેલા આતંકીઓ અનુસાર બંગાળના વર્ધમાન, ગુજરાતના જમ્બુસર, મહારાષ્ટ્રના રત્નાગિરીના જંગલોને આ માટે પસંદ કરાયા હતા.

જોકે મધ્ય પ્રદેશના કયા વિસ્તારોને પસંદ કરાયા છે તે સ્પષ્ટ નથી થઇ શકયું. આઇએસના ધરપકડ કરાયેલા આતંકિઓનું માનવું છે કે ભારતમાં નકસલીઓ દ્વારા જે રીતે જંગલોને પસંદ કરીને કેમ્પો ચલાવવામાં આવે છે તેવી જ રીતે આતંકીઓ પણ આયોજન કરી રહ્યા છે. 

(9:54 am IST)