Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કડવી વાસ્તવિકતાના એક ઘૂટડાએ કલ્પનાનો કાતિલ નશો એક જ પળમાં ઉતારી નાખ્યો : બિહારમાં ભાજપ પાસે એક પણ મોટો નેતા નથી !

ભાજપના નેતાઓએ હવે મુલાકાતો અને બેઠકોનો દોર શરૂ કર્યો : સત્તાનો મદ ઊતર્યા બાદ હવે ભાજપે એકાએક મોટા નેતાની ખોજ શરૂ કરી

પટના તા.18 : બિહારમાં ભૂતકાળમાં રાજકીય ઉથલપાથલ બાદ હવે આગામી લોકસભા ચૂંટણી 2024ને લઈને બયાનબાજી તેજ થઈ ગઈ છે. બિહારમાં જેડીયુએ એનડીએ સાથે સંબંધો તોડી નાખ્યા છે અને હવે મહાગઠબંધનમાં સામેલ થઈ ગઈ છે. રાજ્યમાં સત્તામાંથી બહાર થયા બાદ ભાજપ વિપક્ષી પાર્ટી બની ગઈ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે બિહારમાં ભાજપ પાસે એક પણ જાયન્ટ નેતા નથી.

જ્યારે તમે હવામાં ચાલતા હો ત્યારે વાગવાનો ખતરો સૌથી વધારે હોય છે. બિહાર ભાજપ સાથે એકદમ એવું જ થયું છે. બિહાર ભાજપ નીતીશકુમાર અને લાલુને અતિક્રમી જવાના હસીન સપના જોઈ રહ્યો હતો ત્યાં નીતીશકુમાર અને તેજસ્વીએ તેને જમીનદોસ્ત કરી દીધો છે. સત્તાની ચાલુ ગાડીમાંથી ઉતારી મૂક્યો છે. કોઈ ભર નિંદરમાંથી થપ્પડ મારીને જગાડે ત્યારે જેવો ગુસ્સો આવે એવી સ્થિતિ સર્જાઈ છે. મોંમાં મીઠાઈનું કહીને કોઈ ધતૂરો ખવડાવી દે- ને મૂડ બગડી જાય એવી અવદશા થઈ છે. કડવી વાસ્તવિકતાના એક ઘૂટડાએ કલ્પનાનો કાતિલ નશો એક જ પળમાં ઉતારી નાખ્યો છે.

આથી ભાજપના નેતાઓએ હવે મુલાકાતો અને બેઠકોનો દોર શરૂ કર્યો છે. વાસ્તવિકતા એ છે કે બિહારમાં ભાજપ પાસે એક પણ જાયન્ટ નેતા નથી. 17 વર્ષ ભાજપ નીતીશ જોડે ગઠબંધનમાં રહ્યો, તે પછી પણ તે એક મજબૂત નેતા ઊભો કરી શક્યો નથી. સત્તાનો મદ ઊતર્યા બાદ હવે ભાજપે એકાએક મોટા નેતાની ખોજ શરૂ કરી છે. સ્વાભાવિક છે કે આ ખોજ ઇંડિયન આઇડલ ટેલેન્ટ હન્ટ જેવી સહેલી ન હોય. આવામાં ભાજપ નવા-નવા અખતરા વિચારે છે.

અખતરા નં.1 સુશીલ કુમાર મોદી તથા બીજા ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રીઓને બદલે કોઈ નવો આક્રમક ચહેરો શોધવામાં આવે અને તેને વિધાનસભામાં વિપક્ષી નેતા બનાવાય.

અખતરા નં.2 પહેલા ભાજપે જ અલગ કરેલા રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીના બે જૂથને ફરીથી ભેગા કરવામાં આવે. મતલબ પહેલા ચિરાગ પાસવાનને ડાઉનગ્રેડ કરીને હવે ભાજપ તેના પર દાવ લગાવવા માગે છે.

 

(11:47 pm IST)