Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મુંબઈ નજીક રાયગડમાં બે શંકાસ્પદ બોટમાથી હથિયારો મળી આવતા ખળભળાટ

બોટમાંથી AK-47 રાઇફલ્સ અને બુલેટ્સ મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું

મુંબઈ : મહારાષ્ટ્રના રાયગડ કિનારેથી ત્રણ AK-47 રાઇફલ્સ અને બુલેટ્સ સાથેની બે બોટ મળી આવ્યાના કલાકો પછી, મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે, આ બોટનું નામ "લેડીહાન" છે અને તે ઓસ્ટ્રેલિયન નાગરિક હાના લોર્ડોર્ગન નામની મહિલાની માલિકીની છે. રાયગઢ અને આસપાસના વિસ્તારોમાં હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, કોસ્ટ ગાર્ડના અધિકારીએ કહ્યું છે કે, સુરક્ષા માટે કોઈ ખતરો નથી.

અહેવાલો અનુસાર, આ હથિયારોમાંથી AK-47 રાઈફલ્સ પણ મળી આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બોટમાં કોઈ વ્યક્તિ હાજર ન હતી. એમાં હથિયાર જ હતા. તે જ સમયે, નવીનતમ અપડેટ અનુસાર, ATS આ સમગ્ર મામલાની તપાસ કરી શકે છે. એટીએસની ટીમ તમામ કડીઓની તપાસ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ ભૂતકાળમાં બે વખત દરિયાઈ માર્ગે હચમચી ગયું છે. અગાઉ પણ બોટ મારફતે મુંબઈની અંદર હથિયારો લાવવામાં આવ્યા હતા અને મોટી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસ હાલ મામલાના ઉંડાણમાં જવાનો પ્રયાસ કરી રહી છે, સાથે જ એટીએસ પણ ચાંપતી નજર રાખી રહી છે. જોકે, Ak-47 હથિયારો મળી આવ્યા બાદ હવે ATS આ મામલે તપાસ કરી શકે છે.

દરિયાઈ વિસ્તારમાં આતંકવાદીઓ આવવાની આશંકા હંમેશા રહે છે. આ પહેલા 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. તે સમયે લશ્કરના 10 આતંકવાદીઓ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા. બોટને બીચ પર છોડ્યા બાદ આતંકીઓએ અલગ-અલગ જગ્યાએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓએ બે હોટલ, એક હોસ્પિટલ અને રેલવે સ્ટેશનને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 160 લોકોના મોત થયા હતા.

(7:21 pm IST)