Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત હજુ અત્યંત નાજુક

જીમમાં વર્કઆઉટ કતા સમયે એટેક આવ્યો હતો : ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમની પત્નીએ રાજુના માથાને સ્પર્શ કર્યું હતું ત્યારે સામાન્ય હલચલ પગમાં દેખાઈ હતી

મુંબઈ, તા.૧૮ : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજુની તબિયત પહેલા કરતાં વધુ ખરાબ થઈ છે. ગત રાતથી જ રાજુ શ્રીવાસ્તવની સ્થિતિ અત્યંત નાજુક છે. ગત સાંજે રાજુ શ્રીવાસ્તવનું બ્લડપ્રેશર ખૂબ નીચું જતું રહ્યું હતું. હાલ તો બ્લપ્રેશર નોર્મલ છે પરંતુ એકદંરે તેમની સ્થિતિ અત્યંત નાજુક કહી શકાય તેવી છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ન્યૂરોલોજીસ્ટ ડૉ. પદ્મા શ્રીવાસ્તવને બોલાવવામાં આવ્યા છે. તેઓ કોલકાતામાં હતા અને ત્યાંથી તાબડતોબ દિલ્હી આવવાનું કહેવામાં આવ્યું છે. રાજુના ભત્રીજા કુશલે ભારે અવાજે કહ્યું, અમે આશા રાખી રહ્યા છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે કોઈ ચમત્કાર થઈ જાય. હા, ડૉ. પદ્મા શ્રીવાસ્તવ કોલકાતાથી દિલ્હી આવી રહ્યાં છે અને આજ સાંજ સુધીમાં આવી જશે. આપણે વાત કરી રહ્યા છીએ એ સમયે પણ રાજુજીની હાલત ખૂબ નાજુક છે.

રાજુ શ્રીવાસ્તવના પરિવારે હોસ્પિટલમાં એક રૃમ બુક કરાવ્યો છે જેથી તેઓ ત્યાં રાત રોકાઈ શકે. કુશાલના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પૂર્વ મંત્રી ડૉ. હર્ષ વર્ધન પણ એમ્સમાં રાજુ શ્રીવાસ્તવની સારવાર કરી રહેલા તબીબો સાથે વ્યક્તિગત સંપર્કમાં છે અને પરિવાર સાથે કો-ઓર્ડિનેટ કરી રહ્યા છે. થોડા કલાકો પહેલા જ ડૉ. હર્ષ વર્ધનની મેડિકલ ટીમ સાથે મીટિંગ થઈ હતી.

મહત્વનું છે કે ૧૦ ઓગસ્ટે રાજુ શ્રીવાસ્તવ ટ્રેડમિલ પર દોડી રહ્યા હતા ત્યારે ઢળી રડ્યા હતા અને ત્યારથી જ તેઓ બેભાન અવસ્થામાં છે. છેલ્લા આઠ દિવસથી તેઓ ભાનમાં નથી આવ્યા. શરીરમાં સામાન્ય હલનચલન જોવા મળી હતી. જ્યારે ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેમની પત્નીએ રાજુના માથાને સ્પર્શ કર્યું હતું ત્યારે સામાન્ય હલચલ પગમાં દેખાઈ હતી. રાજુનું એમઆરઆઈ પણ કરવામાં આવ્યું હતું.

(7:19 pm IST)