Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કપાસના ભાવ વધીને ફરી એક વાર ૧ લાખની નજીક

ઓછા પાકનો અંદાજ અને વધતી જતી માંગ છે મુખ્‍ય કારણ

નવી દિલ્‍હી, તા.૧૮: ભારતીય કપાસના ભાવોમાં અણધાર્યો ચડાવ-ઉતાર સતત ચાલુ જ છે. જુલાઇમાં આવેલ તીવ્ર ઘટાડા પછી પાછો કપાસનો ભાવ ૯૬,૦૦૦ રૂપિયા પ્રતિ ખાંડી (૩૫૬ કી.ગ્રા.) પહોંચી ગયો છે. નિષ્‍ણાંતો માને છે કે તે ફરીથી ૧ લાખ રૂપિયા પ્રતિ ખાંડીએ પહોંચી જશે. કપાસની અછત અને નવો પાક મોડો આવવાની શકયતાના કારણે ભાવો વધી રહ્યા છે. નવેમ્‍બર અને ડીસેમ્‍બરના ફોરવર્ડ કોન્‍ટ્રાકટના ભાવો પણ નોંધપાત્ર રીતે વધ્‍યા હોવાનુ સુત્રો કહે છે.
ભારતમાં તાજેતરના મહિનાઓમાં કપાસનો ભાવ લાઇફ ટાઇમ હાઇ ૧.૧ લાખ રૂપિયા પ્રતિ ખાંડી જોવા મળ્‍યો હતો જેના લીધે ટેક્ષટાઇલ ઉદ્યોગને ભારે અસર થઇ છે. ગુજકોટ ટ્રેડ એસોસીએશનના સેક્રેટરી અજય દલાલે કહ્યું, ‘ભારતનું કપાસનું ૨૦૨૦-૨૧નું ઉત્‍પાદન ૩.૫૭ કરોડ ગાંસડીનું હતું. શરૂઆતમાં ૩.૬૩ કરોડ ગાંસડીનો અંદાજ ૨૦૨૧-૨૨ માટે મુકાયો હતો પણ ખરાબ હવામાનના કારણે પાકને અસર થવાથી અધિકારીક અંદાજ હવે ૩.૧૫ કરોડ ગાંસડીનો છે. જે દર્શાવે છે કે કપાસની ઘટ થવાની છે. પ્રાથમિક અંદાજ અનુસાર સ્‍પીનીંગ મીલો પોતાની પૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે. કપાસની જબરી માંગ સામે પુરતો સપ્‍લાય ના હોવાથી ભાવો વધી રહ્યા છે.
અજય દલાલે કહ્યું કે ગયા મહિને કપાસ મળતો ન હોવાના કારણે ભાવોમાં મોટો ઘટાડો જોવા મળ્‍યો હતો. જો કે ગયા મહિને જે ભાવો ૮૬૦૦૦ રૂપિયા હતા તે ૧૨ ઓગષ્‍ટે વધીને ૯૬,૦૦૦ થઇ ગયા છે. ભાવો ફરી એક વાર ૧ લાખે પહોંચે તેવી શકયતાઓ દેખાઇ રહી છે.
જીસીસીઆઇ ટેક્ષટાઇલ કમિટીના કો-ચેરમેન રાહુલ શાહે કહ્યું, ‘આ વર્ષે વાવણી તો બહુ સારી થઇ છે પણ પાક બજારમાં મોડો આવે તેવી ભીતિ છે, એટલે ભાવો વધી રહ્યા છે. કપાસના વધી રહેલા ભાવોના કારણે વિભીન્‍ન કવોલીટીના કોટન યાર્ડના ભાવો પણ વધ્‍યા છે.

 

(1:38 pm IST)