Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

દિલ્‍હીની જામા મસ્‍જિદની સીડીઓ નીચે હિન્‍દુ દેવી દેવતાઓની મૂર્તિ હોવાનો હિન્‍દુ મહાસભાએ કર્યો દાવો

ઉજ્જૈન અને કર્ણાટક બાદ દિલ્‍હીની જામા મસ્‍જિદ પર દાવો હિન્‍દુ મહાસભાએ પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખ્‍યો છે

નવી દિલ્‍હી,તા. ૧૮: વારાણસીની જ્ઞાનવાપી મસ્‍જિદમાં શિવલિંગ મળ્‍યાના હિન્‍દુ પક્ષે કરેલા દાવ બાદ ખળભળાટ મચી ગયો છે. ત્‍યારે હવે દિલ્‍હીની જામા મસ્‍જિદને લઈને પણ હિન્‍દુ મહાસભાએ પ્રધાનમંત્રી મોદીને એક પત્ર લખ્‍યો છે. જેમાં દાવો કરવામાં આવ્‍યો છે કે, જામા મસ્‍જિદની સીડીઓ નીચે હિન્‍દુ દેવી દેવતાઓની મૂર્તિઓ રહેલી છે.
હિન્‍દુ મહાસભાના અધ્‍યક્ષ સ્‍વામી ચક્રપાણીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને જામા મસ્‍જિદનો સર્વે કરાવાનો અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, સીડીઓની નીચે હિન્‍દુ દેવી દેવતાઓની મૂર્તિઓ છે. એટલા માટે જરૂરી છે કે, ખોદકામ કરીને આ મૂર્તિઓને કાઢવામાં આવે.
હિન્‍દુ મહાસભાની આ માગ ત્‍યારની છે, જયારે વારાણસીની જ્ઞાનવાપી મસ્‍જિદમાં શિવલિંગ મળવાનો દાવો કરવામા આવ્‍યો છે. જો કે, હાલમાં પણ હિન્‍દુ પક્ષ અને મુસ્‍લિમ પક્ષ અલગ અલગ દાવા કરી રહ્યા છે.
જ્ઞાનવાપીના મામલામાં જયાં હિન્‍દુ પક્ષ કહી રહ્યા છે કે, આકૃતિ સ્‍પષ્ટ બતાવી રહી છે કે, આ શિવલિંગ છે. તો વળી મુસ્‍લિમ પક્ષ કહી રહ્યો છે કે, ઉપરનો ભાગ સ્‍પષ્ટ કહી રહ્યો છે કે, તે ફુવારો છે. હિન્‍દુ પક્ષે તર્ક આપ્‍યો છે કે, આ એક જ પથ્‍થરમાંથી બનેલી રચના છે. શિવલિંગ આવી જ રીતે બને છે. મુસ્‍લિમ પક્ષની દલીલ છે કે, હાલમાં કેવી રીતે નક્કી થાય કે, આ એક જ પથ્‍થરમાંથી બનેલું છે.
તો વળી મહિલા વાદીઓનું કહેવુ છે કે, કારણ કે, જ્ઞાનવાપીમાં બાબા મળ્‍યા છે, એટલા માટે પૂજાની મંજૂરી મળવી જોઈએ. અરજીકર્તા મંજૂ વ્‍યાસે કહ્યું કે, અમને આશા છે કે, અમે મંદિર બનાવીને રહીશું. તો વળી રેખા પાઠકે કહ્યું કે, જ્ઞાનવાપી તમામની આસ્‍થાનું કેન્‍દ્ર છે. જેના પર કબ્‍જો થયો તેને છોડાવા માટે લડાઈ અંત સુધી ચાલુ રહેશે.

 

(3:56 pm IST)