Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

હળવદમાં મોતનું તાંડવ ૧૨ના દર્દનાક મોત

જીઆઇડીસી વિસ્‍તારમાં ‘‘સાગર સોલ્‍ટ'' નામના મીઠાના કારખાનામાં દિવાલ ધસી પડતા સર્જાઇ કરૂણ દુર્ઘટના : અનેકને ઇજા : મૃતકોમાં મહિલા-પ, પુરૂષો-૩, ૩ બાળકો સહિતનો સમાવેશ : મીઠાની ગુણ અને દિવાલના કાટમાળમાં અનેક લોકો ફસાઇ જતા જેસીબીની મદદથી બચાવ કાર્ય : પરપ્રાંતિય પરિવારમાં હાહાકાર : મૃત્‍યુઆંક વધવાની શકયતા

હળવદ : મીઠાના કારખાનાની દિવાલ પડતા ૧ર વ્‍યકિતના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. તસ્‍વીરમાં મૃતકો તથા ઇજાગ્રસ્‍તો તથા કારખાનામાં  જેસીબીની મદદથી રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્‍યું હતું તે નજરે પડે છે. (તસ્‍વીર - અહેવાલઃ દિપક જાની-હળવદ)

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧૮ :.. મોરબી જીલ્લાનાં હળવદના જીઆઇડીસી વિસ્‍તારમાં ‘સાગર સોલ્‍ટ' નામના મીઠાના કારખાનામાં આજે બપોરે દિવાલ તૂટી પડતા ૧ર વ્‍યકિતના મોત થતા હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્‍પિટલે ખસેડેલ છે. તમામ મૃતકો પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્‍યુ છે. અને મૃત્‍યુઆંક હજુ વધે તેવી શકયતા છે.

આ અકસ્‍માતમાં રમેશભાઇ નરસિંહભાઇ ખીરાણા (ઉ.૪પ), કાજલબેન જેશાભાઇ ગાણસ (ઉ.વ.ર૭), દક્ષાબેન રમેશભાઇ કોળી (ઉ.વ.૧૮), શ્‍યામાભાઇ રમેશભાઇ કોળી (ઉ.વ.૧૩), રમેશભાઇ મેઘાભાઇ કોમળી (ઉ.વ.૪ર), દિલાભાઇ રમેશભાઇ કોળી (ઉ.વ.ર૬), દિપકભાઇ દીલીપભાઇ સોમાણી (કોળી) (ઉ.વ.પ૪), રાજુભાઇ (ઉ.વ.૩૦), દિલીપભાઇ રમેશભાઇ (ઉ.વ.રપ), શીતલબેન દિલીપભાઇ (ઉ.વ.૩ર), રાજીબેન ડાહ્યાભાઇ ભરવાડ (ઉ.વ.૩૦), દેવીબેન ડાહ્યાભાઇ ભરવાડ (ઉ.વ.૧૪), નો ભોગ લેવાતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ જીઆઇડીસીમાં આવેલ સાગર સોલ્‍ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી ત્‍યારે બારેક વાગ્‍યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે ૨૦થી ૩૦ જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે અને અંદાજે ૧ર મળતદેહો બહાર કાઢવામાં આવ્‍યા છે.હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય મળત્‍યુ આંક વીસ જેટલો પહોંચ્‍યો છે. વધુ મા બચાવ કામગીરી ચાલુ છે. હાલ સરકારી દવાખાને લોકો ના ટોળા ઉમટયા છે.

હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દિવાલના કાટમાળ હેઠળ દટાઇ ગયેલા હોય મૃત્‍યુ આંક વધવાની આશંકા સેવાઇ રહી છે. જયારે આ ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસ વડા ત્રિપાઠી, સ્‍થાનિક મામલતદાર ભાટી, હળવદના પીઆઇ, પીએસઆઇ સહિત પોલીસ તંત્ર અને સરકારી તંત્ર સ્‍થળ પર દોડી જઇ સ્‍થાનિકોની મદદથી યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્‍યું છે.

હાલ જેસીબીની મદદથી પડી ગયેલી દિવાલનો મલબો હટાવવામાં આવી રહ્યો છે. અને સ્‍થળ પર ઇજાગ્રસ્‍તોની સારવાર માટે મોરબી જિલ્લાની ર અને સુરેન્‍દ્રનગર જિલ્લાની ર ઇમરજન્‍સી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ તેમજ સ્‍થાનિક સામાજિક સંસ્‍થાની મદદ લેવા આવી રહી છે. જયારે અત્‍યાર સુધીમાં ૧ર લોકોના મૃતદેહ મળ્‍યા છે. અને હજુ કાટમાળમાં દબાયેલ મજુરોની શોધખોળ ચાલી રહી છે. અને મૃત્‍યુઆંક હજુ વધે તેવી દહેશત વ્‍યકત કરાઇ રહી છે.

(3:24 pm IST)