Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજસ્‍થાનથી રાજયસભામાં જશે ગુલામ નબી આઝાદઃ ઉચ્‍ચકક્ષાએ સહમતી બનીઃ પાયલટને'ય વાંધો નથી

કોંગ્રેસે જી-૨૩ નેતાઓને રાજી કરવાના પ્રયાસો શરૂ કર્યા

જયપુર, તા.૧૮: રાજસ્‍થાનમાં રાજ્‍યસભાની ૪ બેઠકો માટે ૧૦ જૂને મતદાન થવાનું છે. આંકડા મુજબ ૩ સીટો કોંગ્રેસના ખાતામાં અને એક સીટ ભાજપના ખાતામાં જાય છે. જયપુરથી લઈને દિલ્‍હી સુધી કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ રાજ્‍યસભામાં જવા માટે દોડી રહ્યા છે. ચર્ચા છે કે જી-૨૩ના વડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નામ પર ટોચના સ્‍તરે સહમતિ સધાઈ છે. કોંગ્રેસના ચિંતન શિબિરમાં સોનિયા ગાંધીએ સીએમ ગેહલોત સાથે ચર્ચા કરીને ગુલાબ નબી આઝાદના નામને લીલી ઝંડી આપી દીધી છે. ગેહલોતના કટ્ટર હરીફ સચિન પાયલટને પણ ગુલામ નબી આઝાદના નામ સામે કોઈ વાંધો નથી.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને રાજસ્‍થાનથી રાજ્‍યસભામાં મોકલવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ પાર્ટીએ પોતાની રણનીતિ બદલી છે. એવી ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીને કર્ણાટકમાંથી રાજ્‍યસભામાં મોકલવામાં આવશે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના અધ્‍યક્ષ ડીકે શિવકુમારે તાજેતરમાં પ્રિયંકા ગાંધીને રાજ્‍યસભાના ઉમેદવાર બનાવવાનો સંકેત આપ્‍યો હતો. કર્ણાટકના કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ઈન્‍દિરા ગાંધી અને સોનિયા ગાંધીએ કર્ણાટકમાંથી ચૂંટણી લડીને મજબૂત રાજકીય સંદેશ આપ્‍યો હતો. જેનો ફાયદો પાર્ટીને થયો. તેથી પ્રિયંકા ગાંધીને કર્ણાટકમાંથી જ રાજ્‍યસભામાં મોકલવા જોઈએ.

રાજસ્‍થાન કોંગ્રેસ સમિતિની અંદર એવી ચર્ચા ચાલી રહી છે કે રાજસ્‍થાનથી રાજ્‍યસભામાં જનારાઓમાં જી-૨૩ના વડા અને પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનું નામ સૌથી આગળ છે. પાર્ટી હાઈકમાન્‍ડે ગુલામ નબી આઝાદને સંતુષ્ટ કરવા માટે સીએમ અશોક ગેહલોતને રાજસ્‍થાનથી રાજ્‍યસભાના સભ્‍ય મોકલવા જણાવ્‍યું છે. પાર્ટીની અંદર એવી ચર્ચા છે કે કોંગ્રેસના ચિંતન શિવિર દરમિયાન સોનિયા ગાંધી ગુલામ નબી આઝાદને અલગથી મળ્‍યા હતા. બંને નેતાઓ વચ્‍ચે રાજ્‍યસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ હતી. માનવામાં આવે છે કે ગુલાબ નબી આઝાદ રાજસ્‍થાનથી રાજ્‍યસભામાં જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગુલાબ નબી આઝાદ રાજ્‍યસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂકયા છે. રાજ્‍યસભાની બીજી સીટની રેસમાં પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ભંવર જિતેન્‍દ્ર સિંહનું નામ બોલાઈ રહ્યું છે. પાર્ટીના મહાસચિવ ભંવર સિંહ રાજ્‍યસભામાં જવા માટે જયપુરથી દિલ્‍હી સુધી લોબિંગ કરી રહ્યા છે. અલવરના પૂર્વ સાંસદ ભંવર જિતેન્‍દ્ર સિંહ રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે.

રાજસ્‍થાનમાં રાજ્‍યસભાની ૪ બેઠકો માટે ૧૦ જૂને મતદાન થવાનું છે. રાજસ્‍થાનના ઓમ-કાશ માથુર, કેજે અલ્‍ફોન્‍સ, રામ કુમાર વર્મા અને હર્ષવર્ધન સિંહ ડુંગરપુરનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. આ ચારેય બેઠકો ભાજપ પાસે હતી. તેમનો કાર્યકાળ ૪ જુલાઈ સુધી રહેશે. કોંગ્રેસને ત્રણ બેઠકો જીતવા માટે અપક્ષ ધારાસભ્‍યોની જરૂર પડશે. રાજ્‍યના લગભગ ૧૩ અપક્ષ ધારાસભ્‍યો ગેહલોત સરકારને સમર્થન આપી રહ્યા છે. આવી સ્‍થિતિમાં એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ ૪માંથી ૩ રાજ્‍યસભા બેઠક જીતીને ભાજપને ઝટકો આપી શકે છે. રાજસ્‍થાન વિધાનસભાનું વર્તમાન ગણિત કોંગ્રેસની તરફેણમાં છે. કોંગ્રેસ પાસે 108, BJP 71, અપક્ષ 13, RLP 3, BTP 2, CPI(M) ૨ અને RLD 1  ધારાસભ્‍ય છે. સંભવ છે કે વર્તમાન આંકડાઓ અનુસાર કોંગ્રેસ ૪માંથી ૩ રાજ્‍યસભા બેઠકો સરળતાથી જીતી લેશે.

રાજસ્‍થાનના ૧૦ રાજ્‍યસભા સાંસદોમાંથી ૭ ભાજપના અને ૩ કોંગ્રેસના સાંસદ છે. કોંગ્રેસને ૨ અને ભાજપને ૧ સીટ પર જીત નિશ્‍ચિત છે. આ રીતે કોંગ્રેસના સભ્‍યોની સંખ્‍યા વધીને ૫ અને ભાજપના ૪ થશે. જો કોંગ્રેસ ચોથી બેઠક પણ જીતે તો રાજ્‍યસભામાં ભાજપ કરતાં રાજ્‍યમાંથી તેના સાંસદો વધુ હશે. પૂર્વ પીએમ મનમોહન સિંહ, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગી કોંગ્રેસના છે. બીજી તરફ ભાજપ પાસે કિરોરી લાલ મીણા, કેન્‍દ્રીય મંત્રી ભૂપેન્‍દ્ર યાદવ અને રાજેન્‍દ્ર ગેહલોત છે.

(10:59 am IST)