Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

JEE Main પરીક્ષાનું એપ્રિલ સત્ર પણ સ્થગિત

કોરોનાના વધતા સંક્રમણને કારણે : શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, તારીખો અને પરીક્ષાની જાહેરાતની વચ્ચે સ્ટુડન્ટ્સને ૧૫ દિવસનો સમય મળવો જોઈએ

નવી દિલ્હી,તા.૧૮ : સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઇઇ) મુખ્ય ૨૦૨૧ એપ્રિલ સત્રને સ્થગિત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ રવિવારે જણાવ્યું કે ૨૭થી ૩૦ એપ્રિલની વચ્ચે યોજાનારી એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા જેઇઇ-મેઇન્સને સ્થગિત કરી દેવામાં આવી છે. શિક્ષણ મંત્રી નિશંકે પરીક્ષા સ્થગિત કરવાની ઘોષણા કરતાં કહ્યું કે, આપણા સ્ટુડન્ટ્સ અને તેમની શૈક્ષણિક કારકિર્દીની સુરક્ષા શિક્ષણ મંત્રાલય અને મારી મુખ્ય ચિંતાઓ છે.

      ટૂંક સમયમાં જ નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, તારીખો અને પરીક્ષાની જાહેરાતની વચ્ચે સ્ટુડન્ટ્સને ૧૫ દિવસનો સમય મળવો જોઈએ. એપ્રિલ સેશનમાં માત્ર પેપર ૧ની પરીક્ષા યોજાવાની હતી. એન્જિનિયરિંગ કોલેજોમાં માત્ર બીઇ અને બીટેકમાં દાખલ કરવામાં આવે છે. બીજી તરફ, એનટીએના અધિકૃત આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-૧૯ સંબંધી હાલની સ્થિતિ અને પરીક્ષાર્થીઓ તથા પરીક્ષા સંબંધી પદાધિકારીઓની સૂચના તથા કુશળતા ધ્યાનમાં રાખતા જેઇઇ-મેન્સ એપ્રિલ સત્રને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સંશોધિત તારીખોની જાહેરાત બાદમાં અને પરીક્ષાની તારીખની ૧૫ દિવસ પહેલા કરવામાં આવશે.

(8:10 pm IST)