Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ફ્રોડ : ઇડીના દરોડાનો દોર, જપ્ત સંપત્તિ ૫,૬૭૪ કરોડ

નીરવ મોદી અને અન્યો સામે તપાસનો દોર જારીઃ સતત ત્રીજા દિવસે દરોડા જારી : ૨૫ કરોડની કિંમતનો વધુ ડાયમંડ અને જ્વેલરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

મુંબઇ,તા. ૧૭, હિરા કારોબારી નરવ મોદી અને અન્યો સામે મની લોન્ડરિંગ કેસમાં ઇડીની કાર્યવાહી આજે સતત ત્રીજા દિવસે જારી રહી હતી. ૧૧૪૦૦ કરોડના પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસના સંબંધમાં ત્રીજા દિવસે કાર્યવાહી જારી રાખવામાં આવી હતી. તપાસ સંસ્થાએ દાવો કર્યો હતો કે આજે ૨૫ કરોડથી વધુના ડાયમંડ અને જ્વેલરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આની સાથે જ હજુ સુધી જપ્ત કરવામાં આવેલ સંપત્તિનો આંકડો ૫૬૭૪ કરોડ ઉપર પહોંચી ગયો હતો. તપાસ સંસ્થાએ નિવેદનમાં કહ્યુ છે કે ઇડી દ્વારા નીરવ મોદી કેસમાં વધુ ૨૧ સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન ડાયમંડ, ગોલ્ડ અને કિંમતી સ્ટોન તેમજ જ્વેલરીનો જથ્થો મળી આવ્યો હતો. આ મુદ્દામાલની કિંમત ૨૫ કરોડ આંકવામાં આવી છે. તપાસ સંસ્થાએ કહ્યુ છે કે તેના શો રૂમ અને સ્ટોર ખાતે સ્ટોક વેલ્યુ પર આધારિત ગણતરી કરવામાં આવી  છે. તમામ સંપત્તિની સ્વતંત્ર ગણતરી પણ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગઇકાલે નીરવ મોદી અને અન્ય બિઝનેસ પાર્ટનર  તેમજ ચેઇન પ્રમોટર મેહુલ ચૌકસી સામે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. તેમને ૨૩મી ફેરુઆરીના દિવસે મુંબઇમાં ઇડીની ઓફિસમાં હાજરી આપવા માટે કહેવામામ આવ્યુ હતુ. ઇડીના દરોડા અને સીબીઆઇની તપાસ હાલમાં જારી રહે તેવી શક્યતા છે. અત્રે નોંધનીય છે કે દરોડા સતત પાડવામાં આવી રહ્યા છે. આજે બેગ્લોરમાં પણ તપાસ કરવામાં આવી હતી. ઇન્ફોસમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ભલામણના આધાર પર વિદેશ મંત્રાલયમાં પાસપોર્ટ જારી કરનાર વિભાગે તાત્કાલિક અસરથી હિરા કારોબારી નીરવ મોદી અને ગીતાંજલિ જેમ્સના સીએમડી મેહુલ ચિનુભાઇ ચૌકસીના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે. પાસપોર્ટની કાયદેસરતા ચાર સપ્તાહ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આવકવેરા વિભાગ દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગે પણ ટેક્સ ચોરીના સંદર્ભમાં તપાસ શરૂ કરીને અસ્થાયી રીતે હિરા કારોબારી અને તેમના પરિવારની ૨૯ પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે. સાથે સાથે ૧૦૫ બેંક ખાતાઓ પણ બંધ કરી દીધા છે. આ ઉપરાંત વિભાગે વિદેશમાં ગેરકાયદે સંપત્તિ રાખવા બદલ તેમની સામે કાળા નાણા વિરોધક કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે.

(9:44 pm IST)