Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

PNB કૌભાંડમાં ધરપકડનો દોર શરૂઃ પૂર્વ ડે. મેનેજર સહિત ત્રણની ધરપકડ

નકલી LOU જારી કરનાર શેટ્ટી પકડાયો

નવી દિલ્હી તા. ૧૭ : પંજાબ નેશનલ બેન્ક (PNB) મહાકૌભાંડ મામલે શનિવારે ધરપકડનો દોર શરૂ થયો છે. સીબીઆઈએ સૌપ્રથમ પીએનબીના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી, SWO મનોજ ખરાત અને હેમંટ ભટ્ટની ધરપકડ કરી છે. ભટ્ટ નિરવ મોદીની કંપનીનો અધિકૃત સિગ્નેચરર હતો. સીબીઆઈ આજે તમામ આરોપીઓને મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરશે. પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી નિરવ મોદી હાલ દેશ છોડી ફરાર થઈ ગયો છે તેમજ અન્ય આરોપી મેહુલ ચોકસી પણ પરદેશ ભાગવામાં સફળ રહ્યો છે.

રૂ. ૧૧,૩૦૦ કરોડના આ કૌભાંડમાં નિરવ મોદી મુખ્ય આરોપી છે. ઉલ્લેખનીય છે કે પીએનબીના ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી સમક્ષ સ્વિફટ મેસેજિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવાનો આરોપ છે. બેન્ક આ સિસ્ટમથી વિદેશમાં લેવડદેવડ માટે LOU મારફતે આપેલી ગેરંટીને અધિકૃત કરે છે. આ ઓથેન્ટિકેશનના આધારે કેટલીક ભારતીય બેન્કોની વિદેશી શાખાઓએ ફોરેકસ ક્રેડિટ આપી હતી. પીએનબી છેતરપિંડીમાં ૧૮ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. 

આ કૌભાંડ કથિત રીતે જવેલેરી ડિઝાઈનર નિરવ મોદીએ આચર્યું છે. કૌભાંડમાં અનેક મોટી જવેલેરી કંપનીઓ જેમ કે ગીતાંજલિ, ગિન્ની અને નક્ષત્ર પણ વિવિધ તપાસ એજન્સીઓના શંકાના દાયરામાં આવી છે. જાહેર ક્ષેત્રની બેન્કના એક અધિકારીએ જણાવ્યું કે, 'ચાર મોટી જવેલેરી કંપની ગીતાંજલિ, ગિન્ની, નક્ષત્ર અને નિરવ મોદી તપાસના દાયરા હેઠળ છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ નાણાંનો કયાં ઉપયોગ થયો તેની તપાસ કરી રહ્યા છે.' અધિકારીએ કહ્યું કે નાણાં મંત્રાલયે કડક નિર્દેશ આપ્યો છે કે કોઈપણ મોટું માથું બચવું ના જોઈએ અને વફાદાર કરદાતાનો કોઈ મુશ્કેલી પડવી જોઈએ નહીં.(૨૧.૩૧)

(3:37 pm IST)