Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જે ૬ રાજયોએ ભાજપને રર૪ બેઠકો ર૦૧૪માં આપી હતી ત્યાં હવે ર૦૧૯માં શું થશે ? ફરી આટલી બેઠકો મળશે ?

ગુજરાત, રાજસ્થાન, મ.પ્રદેશ, મહારાષ્ટ્ર, યુપી, બિહારમાં ર૦૧૪ કરતા ર૦૧૯માં રાજકીય સમીકરણો ફરી જશે

રાજસ્થાન-મ. પ્રદેશમાં સત્તા વિરોધી લહેરઃ યુપીમાં યોગી સરકારની પરીક્ષાઃ ગુજરાતમાં કપરા ચઢાણઃ મહારાષ્ટ્રમાં શિવસેના અલગ થતા ભાજપની કસોટીઃ બિહારમાં બધો મદાર નીતિશ ઉપર

નવી દિલ્હી તા.૧૭ : ર૦૧૯ની લોકસભાની ચૂંટણી યોજાવા આડે હવે એક વર્ષથી પણ થોડો વધુ સમય બચ્યો છે. બધા રાજકીય પક્ષોએ આ માટેની તૈયારી શરૂ કરી છે. ત્યારે સવાલ એ છે કે ર૦૧૪ની પ્રચંડ જીત મોદી ર૦૧૯માં દોહરાવી શકશે ? વર્તમાન રાજકીય પરિસ્થિતિથી એવુ જણાય છે કે, ર૦૧૯નો રાહ ભાજપ અને ટીમ મોદી માટે સરળ નથી. ર૦૧૪માં ૬ મોટા રાજયોની કુલ ર૪૮ બેઠકો પર એનડીએને રર૪ બેઠકો મળી હતી પરંતુ હવે ત્યાં પણ મુશ્કેલી જણાઇ રહી છે.

ગુજરાત

પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ શાહના ગૃહરાજયમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર ૯૯ બેઠકો જ પ્રાપ્ત થઇ છે. ર૦૧ર કરતા ૧૭ જેટલી બેઠકો ઓછી મળી છે. ર૦૧૪માં લોકસભાની તમામ ર૬ બેઠકો ભાજપે જીતી હતી. હવે જણાઇ છે કે મોદી લહેર ધીમી પડી રહી છે. મોદી-શાહની જોડી આ લહેર કઇ રીતે લાવી શકે છે એ કહેવુ મુશ્કેલ છે. ગુજરાતમાં ખેડુતો, પાટીદારો, દલિતો વગેરેની નારાજગીનો ભાજપને સામનો કરવો પડી રહ્યો છે. ભાજપ ર૦૧૪નો કરિશ્મા દોહરાવી શકશે કે કેમ ? એ સવાલ છે.

રાજસ્થાન

હાલમાં પેટાચૂંટણીના પરિણામોએ સાબીત કરી દીધુ છે કે ભાજપની સ્થિતિ સારી નથી. બે સંસદીય અને એક વિધાનસભા બેઠક ઉપર ભાજપનો પરાજય થયો છે. રાજયમાં ભાજપ બે ભાગમાં વહેચાયેલુ છે અને એક જુથ નેતૃત્વ પરિવર્તનની માંગણી કરી રહ્યુ છે. ર૦૧૪માં ભાજપે તમામ રપ બેઠકો મેળવી હતી પરંતુ હવે વસુંધરા સરકાર વિરૂધ્ધ ઉપજેલા અસંતોષ અને મોદી સરકાર વિરૂધ્ધ બનેલી હવા ર૦૧૯માં મોદી રાજની વાપસીમાં અવરોધ ઉભો કરી શકે છે. રાજયમાં કોંગ્રેસ મજબુત બની છે.

યુપી

દેશના સૌથી મોટા રાજય યુપીમાં એક વર્ષ પહેલા ભાજપની લહેર હતી. વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય પણ મળ્યો પરંતુ દેશમાં ઉભા થયેલા રાજકીય સમીકરણો અને દલિત મુસ્લિમ વિરોધી હોવાની છાપ ભાજપને નડી શકે છે. આવતા વર્ષે યોજાનારી ચુંટણીમાં યોગી સરકારના કામકાજ, રામ મંદિરનું નિર્માણ અને બીનભાજપ-બીન કોંગી રાજકીય સમીકરણો મહત્વની ભુમિકા ભજવી શકે છે.

બિહાર

બિહારમાં રાજદના વડા લાલુ યાદવ જેલમાં હોવાથી રાજકીય સમીકરણો નવા સ્વરૂપ લઇ શકે છે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણીનું સમીકરણ તુટી શકે છે. પાસવાન, ઉપેન્દ્ર કુસ્વાહા અને માંઝી અલગ થઇ શકે છે. જો આવુ થશે તો ભાજપની મુશ્કેલી વધશે. બધો જ મદાર નીતિશ ઉપર રહેલો છે.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશમાં શિવરાજ ચૌહાણ સરકાર સામે સત્તા વિરોધી લહેર છે અહી ભાજપ માટે સરળ રસ્તો નથી. ર૦૧૪માં ર૯માંથી ર૭ બેઠકો ભાજપે મેળવી હતી. આ વખતે ભાજપ માટે આ દોહરાવવાનું મુશ્કેલ છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપથી અલગ થઇને લડવાનુ છે તેથી ભાજપ માટે ર૦૧૯નો જંગ જીતવો સરળ નહી હોય. ર૦૧૪માં એનડીએને ૪૮માંથી ૪ર બેઠકો મળી હતી. જેમાં ૧૮ પર શિવસેનાને વિજય મળ્યો હતો. હવે શિવસેના અલગ થવાનુ હોવાથી રાજકીય ચિત્ર બદલાશે. આ સિવાય શરદ પવાર જો કોંગ્રેસ સાથે સમજુતી કરશે તો મુકાબલો વધુ રસપ્રદ બનશે. એવામાં ફડણવીસ સરકારના કામકાજની પરીક્ષા થશે કારણ કે તેમના પર મરાઠા સેન્ટીમેન્ટના આરોપો લાગતા રહ્યા છે.

(11:36 am IST)