Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

'UPA સરકારમાં શરૂ થયું PNB કૌભાંડ, NDAના શાસનમાં વધ્યું'

અલહાબાદ બેંકના ભૂતપૂર્વ ડિરેકટરનો દાવો

નવી દિલ્હી તા. ૧૭ : સૌથી મોટું બેંક કૌભાંડ ધીમે ધીમે ખુલ્લું પડવા લાગ્યું છે અને એક પછી એક ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. ગીતાંજલિ ગ્રૂપને ખોટી રીતે લોન આપવા સામે અવાજ ઉઠાવનારા અલહાબાદ બેંકના ભૂતપૂર્વ ડિરેકટરે દાવો કર્યો છે કે, આ કૌભાંડ યુપીએ સરકારના કાર્યકાળથી ચાલતું આવ્યું છે અને એનડીએ સરકારમાં તે ઘણું વધી ગયું હતું.

બેંકના ભૂતપૂર્વ ડિરેકટર દિનેશ દુબેએ કહ્યું છે કે, 'મેં ગીતાંજલિ જેમ્સ સામે ૨૦૧૩માં સરકાર અને RBIને ડિસેન્ટ નોટ મોકલી હતી, પરંતુ મને આદેશ આપવામાં આવ્યો કે આ લોનને અપ્રૂવ કરવાની છે. મારી પર રાજીનામું માગી લેવાનું દબાણ હતું.'

દુબએ એમ પણ કહ્યું છે કે, 'યુપીએ સરકારના સમયથી ચાલી રહેલું કૌભાંડ એનડીએ સરકારમાં ૧૦ ગણું, ૫૦ ગણું વધી ગયું હતું. ૨૦૧૩માં ફરિયાદ કરી હતી તો નાણાં સચિવે ઉપરથી દબાણની વાત કહી રાજીનામું આપવા કહ્યું હતું.' દિનેશ દુબેએ કહ્યું છે કે, તે તપાસ એજન્સીઝને સહયોગ આપવા માટે તૈયાર છે. દુબે પત્રકાર છે અને ૨૦૧૨માં તેમને બેંકના સ્વતંત્ર નિર્દેશક બનાવાયા હતા.

જયારે દિનેશ દુબેના દાવા પર રેવન્યુ સેક્રેટરી રાજીવ ટકરુએ કહ્યું છે કે, 'હું આ વ્યકિતને માત્ર એકવાર મળ્યો છું. તેઓ ૨૦૧૩માં મારી ઓફિસમાં રાજીનામું આપવા આવ્યા હતા. તેમના રાજીનામાનું કારણ એ હતું કે, તેઓ કેટલીક બાબતોથી નારાજ હતા. મેં તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. મેં તેમની સાથે કયારેય વાત કરી નહોતી.'

પીએનબી કૌભાંડમાં વધુ ૮ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં એક અધિકારી મેનેજમેન્ટ લેવલનો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું છે કે, આ કૌભાંડમાં સામેલ હોવાની શંકાને આધારે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બુધવારે આ કૌભાંડ સામે આવ્યા બાદ બેંકે ૧૦ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા.(૨૧.૩)

(9:52 am IST)